નવી દિલ્હી: ચૂંટણી આવે અને વાયદાઓ લઈને આવે. લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસે તેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. જેમાં તેમણે દરેક વર્ગ માટે કોઈના કોઈ ગેરંટી આપી છે. આ મેનિફેસ્ટો 5 ‘ન્યાય’ અને 25 ‘ગેરન્ટી’ પર આધારિત છે. પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને ભૂતપૂર્વ પ્રમુખો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે મેનિફેસ્ટો જાહેર કર્યો હતો.
કોંગ્રેસે ‘પાંચ ન્યાય’ની કરી વાત
પાર્ટીએ તેના મેનિફેસ્ટોમાં પાંચ ન્યાયની વાત કરી છે. જેમાં 25 પ્રકારની ગેરંટી આપવામાં આવી છે. આ પાંચ ન્યાયમાં યુવા ન્યાય, મહિલા ન્યાય, ખેડૂત ન્યાય, શ્રમ ન્યાય અને સમાન ન્યાયનો ઉલ્લેખ છે. કોંગ્રેસે કહ્યું છે કે, આપણે સાથે મળીને આ અન્યાયી સમયના અંધકારને દૂર કરીશું અને ભારતના લોકો માટે સમૃદ્ધ, ન્યાયથી ભરપૂર અને સુમેળભર્યા ભવિષ્ય માટે માર્ગ મોકળો કરીશું.
કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં શું છે?
કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાના મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો તેમાં કેન્દ્ર સરકારમાં 30 લાખ નોકરીઓ, ગરીબ પરિવારની મહિલાઓને વાર્ષિક 1 લાખ રૂપિયા, જાતિ આધારિત વસ્તી ગણતરી, MSPને કાનૂની દરજ્જો, તપાસ એજન્સીઓનો દુરુપયોગ રોકવા જેવી જાહેરાતો કરવામાં આવી છે. સાથે સચ્ચર સમિતિની ભલામણો લાગુ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે ‘હિસ્સેદારી ન્યાય’ હેઠળ જાતિ આધારિત વસ્તી ગણતરી હાથ ધરવા અને અનામતની 50 ટકા મર્યાદાને નાબૂદ કરવાની ‘ગેરન્ટી’ આપી છે. ‘કિસાન ન્યાય’ હેઠળ પાર્ટીએ લઘુત્તમ ટેકાના ભાવ (MSP), લોન માફી કમિશનની રચના અને GST-મુક્ત ખેતીને કાનૂની દરજ્જો આપવાનું વચન આપ્યું છે. ‘શ્રમ ન્યાય’ હેઠળ કોંગ્રેસે કામદારોને આરોગ્યનો અધિકાર આપવાનું, લઘુત્તમ વેતન 400 રૂપિયા પ્રતિદિવસ સુનિશ્ચિત કરવાનું અને શહેરી રોજગારની ખાતરી આપવાનું વચન આપ્યું છે. તેમજ ‘નારી ન્યાય’ હેઠળ ‘મહાલક્ષ્મી’ ગેરન્ટી હેઠળ ગરીબ પરિવારની મહિલાઓને પ્રતિ વર્ષ 1 લાખ રૂપિયા આપવા સહિતના અનેક વચનો આપવામાં આવ્યા છે.ચૂંટણી ઢંઢેરો બહાર પાડતા પહેલાં કોંગ્રેસે ડોર ટુ ડોર ગેરંટી અભિયાન શરૂ કર્યું હતું. આ ઝૂંબેશ હેઠળ કોંગ્રેસના કાર્યકરો આ ગેરંટી કાર્ડ્સનું વિતરણ કરશે. જે 14 અલગ-અલગ ભાષાઓમાં છાપવામાં આવ્યા છે. દરેક ગેરંટી કાર્ડમાં મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી દ્વારા જાહેર કરાયેલ 5 ન્યાય અને 25 ગેરંટી વિશે માહિતી આપવામાં આવી છે.