કાન્હાના જન્મોત્સવની ઉજવણી બાદ, નંદોત્સવ માટે જો કોઈ ઈન્સ્ટન્ટ મીઠાઈ બનાવવી હોય તો, તે છે સરળ રીતે બનતો ગોળવાળો મોહનથાળ! જેના માટે કરકરો લોટ લેવાની જરૂર નથી, ધાબો દેવાની પણ જરૂર નથી!

સામગ્રીઃ
- ઝીણો ચણાનો લોટ 2 કપ
- ઘી 1 કપ
- ઝીણો સમારેલો ગોળ ¾ કપ
- હૂંફાળું દૂધ 3 ટે.સ્પૂન
- એલચી પાઉડર 2 ટે.સ્પૂન
- મોળો માવો 50 ગ્રામ અથવા દૂધની મલાઈ ½ કપ
- બદામ-પિસ્તાની કાતરી 2 ટે.સ્પૂન
રીતઃ એક જાડા તળિયાવાળી કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં ચણાનો લોટ ઉમેરીને ચમચા વડે લોટને ચારવતા રહેવું. ગેસની આંચ મધ્યમ રાખવી. એકસરખો લોટ ચારવતાં લોટ થોડો હલકો ઢીલો થાય એટલે ગેસની આંચ ધીમી કરીને ફરીથી લોટ શેકવો. લોટ ચોકલેટી રંગનો પકડવા લાગે એટલે તેમાં પહેલાં 1 ટે.સ્પૂન દૂધ મેળવી ચમચા વડે ઝડપથી ચારવવું. એકાદ મિનિટ બાદ બાકીનું 2 ટે.સ્પૂન પણ મેળવી લેવું. લોટમાં દાણા બનશે અને લોટ વધુ ઘેરા રંગનો થવા લાગશે. એટલે ગેસ બંધ કરી દો. ચમચા વડે મિશ્રણ ચારવતાં રહેવું જેથી તે કઢાઈમાં ચોંટીને નીચેથી કાળું ન થાય.
ગેસ ઉપરથી કઢાઈ નીચે ઉતારી લીધા બાદ લોટમાં માવો મેળવીને ચમચા વડે હલાવતાં રહો. જ્યાં સુધી માવો ઓગળી ન જાય.
માવો ઓગળે અને લોટ ઠંડો થવા લાગે, પણ સહેજ ગરમ હોય તે જ સમયે બારીક સમારેલો ગોળ તેમજ એલચી તેમાં મેળવીને ચમચા વડે સતત હલાવતાં રહેવું. તેમાંનો ગોળ ઓગળીને લોટમાં એકરસ ભળી જાય એટલે ઘી લગાડેલી થાળી અથવા ટ્રેમાં આ મિશ્રણ ઠાલવીને તવેથા વડે સરખું ફેલાવી દો. ઉપરથી બદામ-પિસ્તાની કાતરી ભભરાવી દો.
અડધા કલાક બાદ મોહનથાળ સેટ થાય એટલે તેના ચપ્પૂ વડે ચોસલા પાડી લો અને સ્ટીલના એક ડબ્બામાં ભરી લો.



