ગેનીબેન ઠાકોરે નકલી CRPF બની ફરતા યુવકને ઝડપી પાડ્યો

ગુજરાતમાં મતદાન પૂર્ણ થવામાં હવે ગણતરીની મિનિટોનો સમય બાકી છે. ત્યારે કોંગ્રેસે ગેરરીતિ અને બોગસ વોટિંગની 17 ફરિયાદ કરી છે. બીજી તરફ ક્ષત્રિયોએ પણ મતદારોને રોકવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો છે. ત્યારે બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે વીડિયો બનાવી નકલી CRPF બની લોકોને ડરાવી ભાજપ તરફ વોટિંગ કરાવતા એક યુવકની ફરિયાદ કરી હતી.

ગેનીબેને વીડિયોમાં કહ્યું હતું કે, અમે દાંતા તાલુકાના ધરેડા વશી અને સિયાવાડા ગામે બુથ મથક પર આવ્યા ત્યારે પાલનપુરનો એક યુવાન ગાડીમાં નકલી પોલીસની પ્લેટ લગાવી મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટ કરવાં મજબૂર કરી રહ્યો છે. આ યુવકની સામે રાજ્ય પોલીસ વડા, જિલ્લા પોલીસ વડા અને ચૂંટણી પંચ ફરિયાદ નોંધીને યોગ્ય કાર્યવાહી કરે. બીજી બાજુ ગુલાબસિંહ રાજપૂતે ટ્વિટ કરીને કહ્યું હતું કે, દાંતા તાલુકાના ધરેડા વશી અને સિયાવાડા ગામે બુથ મથક પર બહારના જીલ્લાના સમાજનાં યુવાનો ગાડીમાં નકલી પોલીસની પ્લેટ લગાવી મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટ કરવાં મજબૂર કરી રહ્યા છે શુ બનાસકાંઠા જીલ્લાનુ પોલીસ અને વહિવટી તંત્ર ભાજપના હાથા બનીને કામ કરી રહ્યુ છે? આવા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

બીજી તરફ પ્રકાશ ચૌધરી નામના યુવકને ગેનીબેન અને ટોળાએ માર માર્યો હોવાનો આક્ષેપ થયો છે. યુવકે જીવના જોખમે એસ.પી પાસે મદદ માગી હતી હોવાનું જણાવ્યું હતું. પ્રકાશ ચૌધરી ધરેડા શાળામાં બોગસ મતદાન કરતો હોવાનું ગેનીબેને નિવેદન આપ્યું હતું. તો સામે પ્રકાશ ચૌધરીએ ગેનીબેન સહિતના ટોળાંએ માર માર્યાનો આક્ષેપ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, મતદાન પ્રક્રિયા દરમિયાન ગુજરાત કોંગ્રેસે ચૂંટણી કમિશનર સમક્ષ વિવિધ પ્રકારની 17 ફરિયાદો કરી છે. આ ફરિયાદો માટે કોંગ્રેસમાં 20 વકીલોની ટીમનો કંટ્રોલ રૂમ ધમધમી રહ્યો છે. લીગલ સેલના ચેરમેન યોગેશ રવાણી,કન્વીનર નિકુંજ બલ્લર, બાલુભાઈ પટેલ સાથે સંકલન કરીને ફરિયાદો કરવામાં આવી રહી છે.