CM યોગીની મહિલાઓને આજીવન મફત બસપ્રવાસની ભેટ

લખનૌઃ મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથની સરકારે મંગળવારે 60 વર્ષ અને તેનાથી વધુ ઉંમરની મહિલાઓને ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમ (UPSRTC)ની તમામ બસોમાં આજીવન મફત મુસાફરીની સુવિધા આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. યુપીના પરિવહન મંત્રી દયાશંકર સિંહે પત્રકારોને જણાવ્યું હતું કે મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં ‘લોકમાતા અહિલ્યાબાઈ માતૃશક્તિ યોજના’ને મંજૂરી આપવામાં આવી છે.

તેમણે જણાવ્યું હતું કે આ યોજના હેઠળ 60 વર્ષ અને તેનાથી વધુ ઉંમરની મહિલાઓ ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમની તમામ બસોમાં જીવનભર મફત મુસાફરી કરી શકશે. સિંહે કહ્યું હતું કે આ નિર્ણયથી એક કરોડથી વધુ મહિલાઓને લાભ મળવાની અપેક્ષા છે. મંત્રીએ જણાવ્યું હતું કે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરની મહિલાઓ આધાર કાર્ડ અથવા મતદાર ઓળખકાર્ડ બતાવીને રોડવેઝની બસોમાં મફત મુસાફરી કરી શકશે. કેબિનેટે રક્ષાબંધનના તહેવાર દરમિયાન મહિલાઓ સાથે મુસાફરી કરનાર એક વ્યક્તિ માટે પણ મફત બસ મુસાફરીને મંજૂરી આપી છે.

250 ઇલેક્ટ્રિક બસોને મંજૂરી

સિંહે જણાવ્યું હતું કે કેબિનેટે નાણાકીય વર્ષ 2026-27માં રોડવેઝના કાફલાને મજબૂત બનાવવા માટે 250 નવી AC ઇલેક્ટ્રિક બસોની ખરીદી માટે 400 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરવાનો પણ નિર્ણય લીધો છે. અધિકારીઓએ જણાવ્યું કે પ્રસ્તાવ હેઠળ 50 સીટવાળી 100 બસો અને 41 સીટવાળી 150 બસો ખરીદવામાં આવશે. આ 250 બસોની કુલ ખરીદી પાછળ આશરે 425.50 કરોડ રૂપિયાનો ખર્ચ થવાની સંભાવના છે. અધિકારીઓએ જણાવ્યું કે સરકાર દ્વારા આપવામાં આવનારા 400 કરોડ રૂપિયા ઉપરાંત આશરે 25.50 કરોડ રૂપિયાનો ખર્ચ ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમ પોતાનાં સંસાધનોમાંથી ઉઠાવશે. બસોના કાફલાના વિસ્તરણથી ડ્રાઇવરો, કંડક્ટરો અને ટેક્નિકલ મેન્ટેનન્સ સાથે સંકળાયેલા કુશળ અને અકુશળ કર્મચારીઓ માટે રોજગારની નવી તકો ઊભી થવાની શક્યતા છે.