CMની દિલ્હીમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ માટે ઉદ્યોગકારો સાથે સંવાદ

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)ના પ્રમોશન માટે યોજાયેલા રોડ-શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ યોજાનારી આ કોન્ફરન્સ ગુજરાતના ઉત્તર, દક્ષિણ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની ઔદ્યોગિક ક્ષમતા, આર્થિક સંભાવનાઓ અને સાંસ્કૃતિક વિરાસતને વૈશ્વિક સ્તરે ઉજાગર કરશે.

2003માં વડાપ્રધાન દ્વારા શરૂ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે રાજ્યને વિકાસનું ગ્રોથ એન્જિન બનાવ્યું, અને હવે રિજનલ કોન્ફરન્સ દ્વારા આ સફળતા દરેક જિલ્લા સુધી પહોંચાડવામાં આવશે. આ કોન્ફરન્સ ટ્રેડ, ટ્રેડિશન, કોમર્સ, કલ્ચર, ઇન્ડસ્ટ્રી અને એન્ટરપ્રિન્યોરશિપનો સંગમ બનશે, જે ગુજરાતને રોકાણકારો માટે મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન તરીકે સ્થાપિત કરશે.

આ રિજનલ કોન્ફરન્સ દ્વારા ગુજરાતના વિવિધ પ્રદેશોની આગવી શક્તિઓ, જેમ કે ઉત્તર ગુજરાતની ડેરી, એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, સૌરાષ્ટ્રની એન્જિનિયરિંગ અને ફિશરીઝ, દક્ષિણ ગુજરાતના ડાયમંડ અને ટેક્સટાઇલ, તેમજ મધ્ય ગુજરાતના સેમિકન્ડક્ટર અને ગ્રીન મોબિલિટી જેવા સેક્ટર્સને પ્રોત્સાહન મળશે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં પીએમ મિત્ર પાર્ક, બલ્ક ડ્રગ પાર્ક, મેડિકલ ડિવાઇસ પાર્ક અને ગિફ્ટ સિટી, ધોલેરા SIR, ગ્રીનફિલ્ડ પોર્ટ્સ જેવા ફ્યુચરિસ્ટિક પ્રોજેક્ટ્સ વિકાસનું નેક્સ્ટ સ્ટેપ બનશે.

આ કોન્ફરન્સ ટ્રેડ-શો, એક્ઝિબિશન અને સેક્ટર-સ્પેસિફિક સેમિનાર્સ દ્વારા સ્થાનિક MSME અને આનુષંગિક ઉદ્યોગોને વૈશ્વિક મંચ પર લઈ જશે, જે ‘લોકલ ફોર ગ્લોબલ’ના સંકલ્પને સાકાર કરશે.

પ્રથમ રિજનલ કોન્ફરન્સ 9-10 ઓક્ટોબર, 2025ના રોજ મહેસાણામાં યોજાશે, જે ઉત્તર ગુજરાતની ઔદ્યોગિક શક્તિને ઉજાગર કરશે, જેમાં જાપાન પાર્ટનર દેશ તરીકે જોડાશે. ત્યારબાદ રાજકોટ (8-9 જાન્યુઆરી, 2026), સુરત (9-10 એપ્રિલ, 2026) અને વડોદરા (10-11 જૂન, 2026)માં કોન્ફરન્સ યોજાશે.

મુખ્ય સચિવ પંકજ જોષીએ કહ્યું કે, ગુજરાતે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ટોચનું સ્થાન જાળવ્યું છે, અને સિંગલ વિન્ડો ક્લિયરન્સ એક્ટ-2017 દ્વારા 200થી વધુ મંજૂરીઓ માટે ઓનલાઇન પોર્ટલ કાર્યરત છે. DPIITના સચિવ શ્રી અમરદીપસિંહ ભાટિયાએ VGRCની પ્રશંસા કરતાં કહ્યું કે, આ કોન્ફરન્સ ટીઅર-2 અને ટીઅર-3 શહેરોમાં નવા સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગોના વિકાસને વેગ આપશે, જે ગુજરાતને દેશમાં પથપ્રદર્શક બનાવશે.

આ પ્રસંગે ઉદ્યોગ સચિવ મમતા વર્મા, ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ, FICCI પ્રેસિડેન્ટ હર્ષવર્ધન અગ્રવાલ, હેસ્ટર બાયોસાયન્સીસના CEO  રાજીવ ગાંધી સહિત અગ્રણી ઉદ્યોગકારો અને સંગઠનોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા.