CM ભૂપેન્દ્ર પટેલે કચ્છ રણોત્સવમાં ‘લાઈટ એન્ડ સાઉન્ડ શો’ નો શુભારંભ કરાવ્યો

કચ્છના વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણમાં ઉજવાતા રણોત્સવમાં આવતા દેશ વિદેશના સહેલાણીઓ માટે વધુ એક આકર્ષણરૂપે લાઈટ એન્ડ સાઉન્ડ શો નું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભારંભ કરાવ્યો હતો. આ લાઈટ એન્ડ સાઉન્ડ શોમાં મુખ્યમંત્રી તેમજ તેમની સાથે ઉપસ્થિત મહાનુભાવોએ મારી ભૂમિ-કચ્છની ભૂમિ-રણની ભૂમિ-યદ્ધની ભૂમિ થીમ પર તૈયાર થયેલ શોમાં સફેદ રણ, હડડપીય સભ્યતાનું ધોળાવીરા, લખપત ખાતે આવેલી બૌદ્ધ ધર્મની ગુફાઓ, કોટેશ્વર મહાદેવ અને નારાયણ સરોવર, કચ્છના કુરુક્ષેત્ર સમું ઝરાનું યુદ્ધ, કચ્છની વિરાંગનાઓએ પાકિસ્તાન સાથેના યુદ્ધમાં તૂટેલા એર સ્ટ્રીપને ફરી ઉભો કર્યો તે ઘટના, રક્ષક વન, કચ્છની હસ્તકલા, કસબ અને કારીગરી, કચ્છની શોર્ય અને વીરતા, ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ માં કચ્છમાં આવેલ વિનાશક ભૂકંપ અને તેમની સ્મૃતિમાં ભુજમાં બનેલ સ્મૃતિ વન, વિશ્વના સૌથી મોટા રીન્યુએબલ એનર્જી પાર્ક વગેર આકર્ષિત રીતે રજૂ થયેલા કચ્છના ઇતિહાસ અને સંસ્કૃતિના પાસાઓ નિહાળ્યા હતા.

કચ્છમાં નયનરમ્ય પર્યટન સ્થળ તરીકે પ્રસિદ્ધિ પામેલા કચ્છના ધોરડો સફેદ રણમાં ખાતે પ્રવાસીઓ માટે નવું આકર્ષણ શરૂ કરવામાં આવ્યું છે. સફેદ રણમાં આવેલા વૉચ ટાવર ઉપર કાયમી લાઇટ એન્ડ સાઉન્ડ શો થકી એક મનમોહક નજારો પેદા થશે. પ્રવાસીઓ આ લાઈટ અને સાઉન્ડ શોના માધ્યમથી કચ્છના ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિથી પરિચિત બની એ ભવ્યતાનો સાક્ષાત્કાર કરી શકશે.

ઉલ્લેખનીય છે કે, કચ્છના આંગણે યોજાતો રણોત્સવએ આંતરરાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ ધરાવે છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના પ્રધામંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સફેદ રણમાં રણોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આ રણોત્સવ થકી આ રણ વિસ્તાર તેમજ સમગ્ર કચ્છ આગવી ઓળખ ઉભી કરી આજે વિશ્વ સ્તરે ઉભરી આવ્યું છે. કચ્છ એ સફેદ રણ સહિતના પ્રવાસન સ્થળો થકી દેશ વિદેશમાં આગવી ઓળખ ધરાવે છે. ત્યારે સફેદ રણ ખાતે આજથી શરૂ થઈ રહેલા લાઈટ એન્ડ સાઉન્ડ શો અહીં આવતા સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. વોચ ટાવર પર રજૂ થતા લાઈટ એન્ડ સાઉન્ડ શો થકી પ્રવાસીઓ કચ્છના ભવ્ય ઇતિહાસ અને ગરીમામયી સંસ્કૃતિના સાક્ષી બનશે.

આ લાઈટ એન્ડ સાઉન્ડ શો રૂ.7.29 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. દર વર્ષે સફેદ રણમાં રણ ઉત્સવ દરમિયાન આવેલ પ્રવાસીઓને વધુ આકર્ષણ મળી રહે તથા નાઈટ ટુરિઝમને પ્રાધાન્ય મળી રહે તેને ધ્યાને લઈને ડેકોરેટીવ/ઇનોવેટીવ લાઈટીંગ તથા લાઈટ અને સાઉન્ડ શો શરૂ કરવામાં આવ્યો છે. આ 18 મિનીટની અવધિનો લાઈટ અને સાઉન્ડ શો કચ્છના ઈતિહાસ ઉપર રણ અને ભૂમિની થીમ પર તૈયાર કરવામાં આવ્યો છે. આ શો કાયમી ધોરણે રાતના સમયે બે વાર બતાવવામાં આવશે જે એકસાથે 250 માણસો બેસીને નિહાળી શકાશે.

રણોત્સવમાં લાઈટ એન્ડ સાઉન્ડ શોના અનાવરણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર હસમુખ અઢિયા, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ, પ્રવાસન વિભાગ સચિવ હારીત શુક્લ, ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગના સચિવ મમતા વર્મા, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ત્રિકમભાઈ છાંગા, અનિરુદ્ધભાઈ દવે, માલતીબેન મહેશ્વરી, જિલ્લા કલેક્ટર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ પ્રજાપતિ, ધોરડો ગામના સરપંચ મિંયા હુસેન તેમજ પદાધિકારીઓ/ઉચ્ચ અધિકારીઓ અને પ્રવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.