શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ અને ડોડા જિલ્લાઓમાં અચાનક ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ પણ નોંધાઈ છે. કિશ્તવાડમાં 540 મેગાવોટના ક્વાર હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ પાસે ભારે વરસાદને કારણે મોટા પાયે ભૂસ્ખલન થયું છે. ભૂસ્ખલનને કારણે અનેક વાહનો કાટમાળ નીચે દટાયાં છે. ઘણાં વાહનોને ભારે નુકસાન થયું છે અને કાટમાળ નીચે ફસાયેલા છે. ફસાયેલાં વાહનોને બહાર કાઢવા અને અસરગ્રસ્ત વિસ્તારમાંથી કાટમાળ હટાવવા માટે રાહત અને સફાઈ કામગીરી ચાલુ છે.
ડોડામાં પણ ભારે વરસાદથી નુકસાન
આ દરમિયાન સતત વરસાદના કારણે આવેલા અચાનક પૂરે ડોડા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વિનાશ વેર્યો છે. ભારે વરસાદને કારણે ડોડા જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે અને અનેક સ્થળોએ નુકસાન થયું છે. જોકે હાલ સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. અધિકારીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત, બચાવ અને પુનઃસ્થાપન કામગીરી ચાલુ છે.
ડોડા–કિશ્તવાડ માર્ગ બંધ
બીજી તરફ, ડોડા જિલ્લાના પ્રેમનગર વિસ્તારમાં આજે સવારે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને કાટમાળ રસ્તા પર આવી જતા ડોડા–કિશ્તવાડ માર્ગ બંધ થયો છે. સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે પહાડી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. માર્ગ પર મોટા પ્રમાણમાં કાટમાળ અને પથ્થરો ખાબકતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થયો છે. પ્રશાસન અને સંબંધિત વિભાગોની ટીમો તથા મશીનો સ્થળ પર પહોંચી ગઈ છે અને માર્ગને શક્ય તેટલી વહેલી તકે ફરી શરૂ કરવા માટે યુદ્ધ સ્તરે રાહત અને સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
પ્રશાસને લોકોને અપીલ કરી છે કે હવામાન સામાન્ય ન થાય અને માર્ગ સંપૂર્ણપણે સુરક્ષિત જાહેર ન થાય ત્યાં સુધી બિનજરૂરી મુસાફરી ટાળે તેમ જ મુસાફરી શરૂ કરતાં પહેલાં માર્ગ અને હવામાન અંગેની તાજી માહિતી અવશ્ય મેળવી લે. સતત વરસાદને કારણે પહાડી વિસ્તારોમાં હજુ પણ ભૂસ્ખલનનો ખતરો યથાવત્ છે, તેથી સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.




