ચમોલીમાં વાદળ ફાટવાથી ભયજનક વિનાશ,  અનેક લોકો લાપતા

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં ચોમાસાનો કેર સતત ચાલુ છે. વાદળ ફાટવાથી અચાનક આવેલા પૂર અને ત્યાર બાદ ભૂસ્ખલનની ઘટનાઓએ રાજ્યના અનેક જિલ્લાઓમાં લોકોને મોટા પાયે અસર પહોંચાડી છે. આ જ ક્રમમાં બુધવારની મધરાતે રાજ્યના ચમોલી જિલ્લામાં વાદળ ફાટવાની વધુ એક ઘટના બની છે. આ આસમાની આફતમાં ઓછામાં ઓછા સાત લોકો લાપતા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

ચમોલીમાં ભારે વરસાદ સાથે આવેલા કાદવે નંદનગર નગર પંચાયતના કુન્ટરી લંગાફળી વોર્ડમાં છ ઘરોને સંપૂર્ણ રીતે નષ્ટ કરી નાખ્યાં હતાં. એ ઉપરાંત અનેક ઘર અને ખેતરો પણ સંપૂર્ણ રીતે ખતમ થયાં છે. સોશિયલ મિડિયા પર શેર થયેલા વિડિયોમાં ઘરોના વચ્ચેના સાંકડા રસ્તાઓમાંથી કાદવવાળું પાણી અને કચરો વહેતો જોવા મળી રહ્યો છે. ઘરોનાં દીવાલો અને છાપરાઓ પર કાદવ ફેલાયેલો છે અને પાણીનો જોરદાર પ્રવાહ ઘરોમાં ઘૂસી જઈ મિલકતને નુકસાન પહોંચાડી રહ્યો છે, એમ સ્થાનિક વહીવટી તંત્રએ જાણવ્યું છે.

રાહત અને બચાવ કામગીરી ચાલુ

ચમોલીના જિલ્લા અધિકારી સંદીપ તિવારીએ જણાવ્યું હતું કે બુધવારની રાત્રે ચમોલી જિલ્લાના નંદનગર ઘાટ વિસ્તારમાં વાદળ ફાટવાથી નુકસાન થયું છે. નંદનગરના કુન્ટરી લંગાફળી વોર્ડમાં છ ઘર કાદવમાં દટાઈ ગયાં છે. સાત લોકો લાપતા છે, જ્યારે બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હાલ રાહત અને બચાવ અભિયાન ચાલુ છે. આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છે અને કાદવમાં ફસાયેલા લોકોને બચાવવા માટે યુદ્ધ સ્તરે પ્રયાસો થઈ રહ્યા છે.

હવામાન વિભાગે ઉત્તરાખંડના અનેક વિસ્તારો જેમ કે – દહેરાદૂન, હરિદ્વાર, પૌડી ગઢવાલ, ટેહરી ગઢવાલ, ઘનસાલી, શિવપુરી, દેવપ્રયાગ, ઋષિકેશ, ચંબા, મસૂરી અને ધનૌલ્ટીમાં આવતા કેટલાક દિવસોમાં ગાજવીજ અને તેજ પવન સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. લોકોને સતર્ક રહેવા અને જરૂરી સાવચેતી રાખવા સલાહ આપવામાં આવી છે.