પટનાઃ બિહારમાં બેઠક વિતરણને લઈને NDAની જેમ જ મહાગઠબંધનમાં પણ મોટી રાજકીય ખેંચતાણ ચાલી રહી છે. ખાસ કરીને કોંગ્રેસને લઈને સૌથી વધુ મતભેદો દેખાઈ રહ્યા છે. કોંગ્રેસ જેટલી બેઠકો માગે છે, તેટલી બેઠકો આપવા RJD તૈયાર નથી. તેનું એક મુખ્ય કારણ એ છે કે ગઈ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ નબળું રહ્યું હતું.
2020ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 70 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા, જેમાંથી તેને ફક્ત 19 બેઠકો પર જ જીત મળી હતી. RJDએ કોંગ્રેસને 54 બેઠકોની ઓફર આપી છે, જ્યારે બિહાર પ્રદેશ કોંગ્રેસ તરફથી RJDને 75 બેઠકોની યાદી મોકલવામાં આવી છે, એમ અહેવાલ કહે છે.
આ બે પક્ષોને પણ બેઠકો આપવી પડશે
મહાગઠબંધનનું નેતૃત્વ કરતી RJD સામે આ વખતે વધુ એક મુશ્કેલી છે, કારણ કે આ વખતે મહાગઠબંધનમાં બે નવા રાજકીય પક્ષો જોડાયા છે: ઝારખંડ મુક્તિ મોર્ચા (JMM) અને રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી (RLJP) શશના મુખ્ય હેમંત સોરેન છે અને RLJPના પ્રમુખ પૂર્વ કેન્દ્રીય પ્રધાન પશુપતિ પારસ છે.
બિહારના મહાગઠબંધનમાં હાલ છ મુખ્ય પક્ષો છે — RJD, કોંગ્રેસ, CPI, CPM, CPI(ML) લિબરેશન અને VIP. હવે JMM અને RLJPના જોડાવાથી બેઠક વિતરણની પ્રક્રિયા વધુ જટિલ બની ગઈ છે. થોડા દિવસો પહેલાં જ્યારે રાહુલ ગાંધી પટણા આવ્યા હતા, ત્યારે તેમણે પાર્ટી નેતાઓને કહ્યું હતું કે ટિકિટ વિતરણમાં કાર્યકરોનો પૂરો વિચાર રાખવામાં આવશે. તેથી કોંગ્રેસ એ વાતે અડગ છે કે તેને ઓછામાં ઓછું 70 બેઠકો પર લડવાની તક મળવી જોઈએ.
