દેશના 244 જિલ્લાઓમાં આવતી કાલે સિવિલ ડિફેન્સ મોક ડ્રિલ થશે

નવી દિલ્હીઃ દેશના 244 જિલ્લાઓમાં સિવિલ ડિફેન્સ મોક ડ્રિલ માટે દિલ્હીમાં હાઇ લેવલ બેઠક મળી છે. ગૃહ મંત્રાલયમાં થયેલી બેઠકમાં રાજ્યોના મુખ્ય સચિવો, સિવિલ ડિફેન્સ ચીફ તેમ જ અનેક ઉચ્ચ અધિકારીઓએ ભાગ લીધો હતો. આ મોક ડ્રિલ આવતી કાલે એટલે કે સાત મેથી શરૂ થવાની છે, પરંતુ લખનૌ, શ્રીનગર અને મુંબઈમાં આજથી જ પોલીસ, SDRF સહિતની બચાવ ટીમોને યુદ્ધ દરમિયાન બચાવ માટેની તાલીમ આપવામાં આવી રહી છે. મોક ડ્રિલ દરમિયાન હવાઈ હુમલાની ચેતવણી આપતી સાઇરન વગાડવામાં આવશે.

પાકિસ્તાન સાથે યુદ્ધની શક્યતાઓ વચ્ચે આ મહિનાના અંતે ભારતને રશિયાથી એક યુદ્ધ જહાજ મળી જશે. રશિયા 28 મેએ આ યુદ્ધ જહાજ ભારતીય નૌસેનાને સોંપશે. આ યુદ્ધ જહાજ બ્રહ્મોસ મિસાઇલથી સજ્જ હશે, જે રડારની પકડથી દૂર રહેશે. અહીં, પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે દાવો કર્યો કે ભારત કોઈ પણ સમયે LOC (લાઇન ઓફ કંટ્રોલ) પર સૈન્ય કાર્યવાહી કરી શકે છે. તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકીય લાભ માટે પ્રદેશને ન્યુક્લિયર યુદ્ધની ધાર પર લાવી દીધો છે.

પહેલગામમાં 22 એપ્રિલે થયેલા હુમલા પછી ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ હુમલામાં આતંકવાદી ફાયરિંગને કારણે 27 પર્યટકોનાં મોત થયાં હતાં. આ પહેલાં દેશમાં છેલ્લી વખત આવી મોક ડ્રિલ 1971માં કરવામાં આવી હતી. ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. તે સમયે યુદ્ધ દરમિયાન આ ડ્રિલ યોજવામાં આવી હતી. હાલમાં રવિવાર-સોમવારની રાતે પંજાબના ફિરોઝપુર છાવણી વિસ્તારમાં બ્લેકઆઉટની પ્રેક્ટિસ કરવામાં આવી. આ દરમિયાન ગામો અને મહોલ્લાઓમાં રાત્રે નવ વાગ્યાથી 9:30 સુધી વીજળી બંધ રાખવામાં આવી હતી.