ચીને એક મહિનાથી ગુમ વિદેશ પ્રધાન કિન ગેંગને પદ પરથી હટાવ્યા

ચીનના વિદેશ મંત્રી કિન ગેંગને મંગળવારના રોજ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. ગેંગના સ્થાને વાંગ યીને વિદેશ મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ અગાઉ પણ આ પદ સંભાળી ચૂક્યા છે. વાંગ યી હાલમાં બ્રિક્સ બેઠક માટે દક્ષિણ આફ્રિકામાં છે. બ્રિક્સ દેશોમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે.

શા માટે કિન ગેંગ ગુમ છે?

એક રિપોર્ટ અનુસાર કિન ગેંગ એક મહિલા પત્રકાર સાથેના લગ્નેતર સંબંધોના કારણે લાંબા સમયથી ગાયબ છે. તે છેલ્લે 25 જૂને રશિયાના નાયબ વિદેશ મંત્રી રુડેન્કો એન્ડ્રે યુરેવિચ સાથેની મુલાકાત દરમિયાન જોવા મળ્યા હતા. જો કે, તેના પર ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ગેંગને સ્વાસ્થ્ય સમસ્યાઓ છે, જેના કારણે તેઓ દેખાતા નથી. કિન ગેંગના હોંગકોંગના ફોનિક્સ ટીવીના પ્રખ્યાત રિપોર્ટર ફુ ઝિયાઓટીયન સાથે લગ્નેતર સંબંધ હતા. હાલમાં જ ટ્વિટર પર બંનેનો વીડિયો અને ફોટો વાયરલ થયો હતો.