2000 પછી શું હવે 500ની નોટ બંધ થશે? સરકારે કરી સ્પષ્ટતા

નવી દિલ્હીઃ 2000 રૂપિયાની ચલણી નોટ બંધ થયા બાદ લોકોમાં એવી ચર્ચા ચાલી છે કે હવે 500 રૂપિયાની નોટ પણ બંધ થશે. પરંતુ, કેન્દ્ર સરકારે આ વિશે સ્પષ્ટતા કરી છે. તે ઉપરાંત તેણે રૂ. 1000ની નોટ ફરી શરૂ કરવા બાબતમાં પણ સ્પષ્ટતા કરી છે. સંસદમાં હાલના ચોમાસું સત્રમાં નાણાં મંત્રાલય સમક્ષ આ પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે નાણાં મંત્રાલયે સ્પષ્ટપણે કહ્યું કે 500 રૂપિયાની નોટ ચલણમાંથી દૂર કરવામાં આવનાર નથી. તે ઉપરાંત સરકારે એ પણ સ્પષ્ટ કરી દીધું કે 1000 રૂપિયાની નોટ ફરી શરૂ કરવામાં આવનાર નથી.

ઉલ્લેખનીય છે કે, સરકારે 2016માં નોટબંધી જાહેર કરી હતી અને ત્યારે 500 અને 1000 રૂપિયાની નોટો ચલણમાંથી હટાવી લીધી હતી. ત્યારબાદ ભારતીય રિઝર્વ બેન્કે 500 અને 2000ની નવી ચલણી નોટો વ્યવહારમાં મૂકી હતી. હવે 2000ની નોટ બંધ કરવાનો નિર્ણય સરકારે ગયા મે મહિનામાં જાહેર કરી દીધો છે. 2000ની નોટ બદલવા અને જમા કરાવી દેવા માટેની મુદત 30 સપ્ટેમ્બર સુધીની છે. સરકાર આ મુદતને લંબાવવાની નથી.