ચેક ક્લિયરિંગ સિસ્ટમ ઠપ, સેંકડો લોકોના કરોડો રૂપિયા અટવાયા

નવી દિલ્હીઃ ધનતેરસના અવસરે જ્યારે લોકો જમીન, દુકાન અને મકાનની ખરીદીમાં વ્યસ્ત હતા, ત્યારે બેંકિંગ સિસ્ટમમાં આવેલી ખામી તેમની ખુશીઓ પર પાણી ફેરવી દીધું છે. ચેક ક્લિયરન્સની પ્રક્રિયા બંધ પડી જવાથી સેંકડો લોકોના કરોડો રૂપિયા અટવાઈ ગયા છે. મોટા ભાગની બેંકોમાં આ સમસ્યા યથાવત્ છે, જેને કારણે ગ્રાહકો રોજ બેંકનાં ચક્કર લગાવી રહ્યા છે.

શા માટે ચેક ક્લિયર નથી થઈ રહ્યા?

ગ્રાહકોનું કહેવું છે કે બેંક ન તો ચેક ક્લિયર કરી રહી છે અને ન કોઈ સ્પષ્ટ જવાબ આપી રહી છે. બેંક કર્મચારીઓ જણાવી રહ્યા છે કે ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ચેક ક્લિયરન્સના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે અને તેને કારણે સિસ્ટમ અપગ્રેડ કરવામાં આવી રહી છે. આ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી વ્યવહારો પર અસર પડી રહી છે.

આ છે RBIના નવા નિયમો

રિઝર્વ બેન્કે ત્રીજી જાન્યુઆરી, 2026થી દેશભરમાં સેમ-ડે ચેક ક્લિયરન્સ સિસ્ટમ (Cheque Clearance System) લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આ નવા નિયમ હેઠળ કોઈ પણ બેંકમાં જમા કરાયેલ ચેક ત્રણ કલાકની અંદર ક્લિયર થઈ જશે. ચોથી ઓક્ટોબર, 2025થી લઈને 3 જાન્યુઆરી, 2026 સુધી આ સિસ્ટમનો પહેલો તબક્કો ચાલશે, જેમાં સાંજે સાત વાગ્યા સુધી બેંકને ચેકની પુષ્ટિ કરવી ફરજિયાત રહેશે. જો બેંક આવું નહીં કરે તો ચેક આપમેળે ક્લિયર માનવામાં આવશે.

ચેક બાઉન્સ થઈ રહ્યા છે

બેંક અધિકારીઓનું કહેવું છે કે આ અપગ્રેડ બાદ ગ્રાહકોને ઝડપી ચુકવણી મળશે અને બેંકિંગ વ્યવસ્થા વધુ સરળ બનશે, પરંતુ હાલ સોફ્ટવેર અપડેટને કારણે અનેક બેંકોમાં ટેકનિકલ અડચણો આવી રહી છે, જેને કારણે ઘણા ચેક તાત્કાલિક બાઉન્સ થઈ રહ્યા છે.

એ દરમિયાન ગ્રાહકો અને બેંક કર્મચારીઓ વચ્ચે તણાવ અને નારાજગી વધી રહી છે. ઘણા ગ્રાહકો ફરિયાદ કરી રહ્યા છે કે ખાતામાં પૂરતી રકમ હોવા છતાં તેમનાં ચેક ક્લિયર નથી થઈ રહ્યા. બેંક મેનેજમેન્ટે આશ્વાસન આપ્યું છે કે થોડા દિવસોમાં આ ટેકનિકલ મુશ્કેલી પૂરી રીતે દૂર કરી દેવામાં આવશે.