ચારૂસેટના 10 કોલેજના 18,000થી વધુ વિદ્યાર્થીઓએ ટેબલેટ પરીક્ષા આપી

ચાંગા:  ગુજરાતમાં સૌપ્રથમ ચારૂસેટ યુનિવર્સિટી દ્વારા સતત 3 વર્ષથી ડિજિટલ પેપરલેસ પરીક્ષા લેવામાં આવી રહી છે. ચારૂસેટની 10 કોલેજના 18,000થી વધુ વિદ્યાર્થીઓ પેપરલેસ ડિવાઇસ ટેબલેટ પર પરીક્ષા આપી છે. આ વર્ષે નવતર અભિગમ અપનાવતા ઓટો ક્વેશ્ચન પેપર અને ઓપન બુક એક્ઝામ કન્સેપ્ટ લિમીટેડ વિદ્યાર્થીઓ માટે શરુ કરવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ ટેક્સ્ટ બુક લઈને પરીક્ષા આપે છે.

ચારૂસેટ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. અતુલ પટેલે આ વિશે જણાવ્યું, “ચારુસેટ યુનિવર્સિટી ગુજરાતમાં સૌ પ્રથમ છે જેણે ડિજિટલ પેપરલેસ પરીક્ષા શરૂ કરી છે. આ એનવાયર્નમેન્ટ ફ્રેન્ડલી સિસ્ટમથી સમયની સાથે-સાથે પેપરનો બચાવ અને પર્યાવરણનું જતન થાય છે.  ઉત્તરવહીઓ, પ્રશ્નપત્રો, હૉલ ટિકિટમાં વપરાતા પેપરનો બચાવ થઈ રહ્યો છે જેથી પર્યાવરણના જતનની સાથે-સાથે પરીક્ષા પદ્ધતિની ગુણવત્તામાં વધારો થયો છે.  આ એક્ઝામથી દર વર્ષે 50 લાખ પેપરનો બચાવ કરી પર્યાવરણનું રક્ષણ કરવામાં આવે છે. અમે 3  વર્ષથી પેપર પ્રિન્ટીંગ કરાવતા નથી આથી દર વર્ષે 50 લાખ પેપર પ્રિન્ટીંગ તેમજ તેનું વિતરણ-જાળવણીનો ખર્ચ અને 900થી વધુ માનવકલાકની બચત થાય છે. આ ઉપરાંત દર વર્ષે 625 વૃક્ષોને બચાવી જતન કરવામાં આવે છે.

આ પરીક્ષાની વિશેષતા એ છે કે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા માટે કશું સાથે લાવવાની જરૂર નથી, ચારૂસેટમાં પરીક્ષા દરમિયાન વાપરવામાં આવતી હૉલ ટિકિટ, ઉત્તરવહીઓ, પુરવણીઓને બદલે વિદ્યાર્થીઓને  ટેબલેટ આપવામાં આવે છે જેમાં હૉલ ટિકિટથી માંડીને પ્રશ્નપત્રો આપેલા હોય છે અને આ જ ટેબલેટમાં વિદ્યાર્થીઓ જવાબ લખે છે. ટેબલેટ પર સ્ટાઇલક પેનથી લખવામાં આવે છે. પેપરલેસને લગતા તમામ ઓપરેશન્સ જેમ કે સોફ્ટવેરમાં એક્ઝામ શિડ્યુઅલ કરવી, વિદ્યાર્થીઓ માટે ડિવાઇસ તૈયાર કરવા, શિક્ષકોને આન્સર સ્ક્રીપ્ટ તપાસવા આપવી વગેરે ધ્યાનમાં રાખવામા આવે છે. પરીક્ષા પછી બધા જ પ્રશ્નપત્રો કલાઉડ-ઇન્ટરનેટ પર જાય પછી પ્રોફેસરો લૉગ ઇન કરી ઇવેલ્યુએશન કરી ચેક કરી શકે છે અને  રીમાર્ક-સર્કલ-ટીક કરી શકે છે.

2019માં ચારૂસેટ યુનિવર્સિટી અને સિંગાપોર સ્થિત કંપની લિટલમોર ઇનોવેશન લેબ્સ વચ્ચે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે સિંગાપોરસ્થિત લિટલમોર ઇનોવેશન લેબ્સ દ્વારા ચારૂસેટને ડિજિટલ પેપરલેસ એક્ઝામિનેશન યોજવાની સુવિધા આપી હતી. શરૂઆતમાં પ્રથમ વર્ષના 1500થી વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ત્યાર બાદ 2022-2023થી તમામ ઇન્ટરનલ-એક્સ્ટરનલ પરીક્ષાઓ પેપરલેસ મોડમાં લેવાનું નક્કી કર્યું હતું.

વિવિધ યુનિવર્સીટીઓએ આ પ્રોજેક્ટ પોતાની યુનિવર્સીટીમાં ચલાવવા રસ દર્શાવ્યો છે. રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સીટીએ આ પ્રોજેક્ટ માટે ચારુસેટ સાથે MOU કર્યા છે.  જેના ભાગરૂપે 2025માં આ જ યુનિવર્સિટીમાં તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા પેપરલેસ મોડમાં લેવા ચારુસેટે મદદ કરી હતી. આ અભિગમને ચારૂસેટના પ્રમુખ સુરેન્દ્ર પટેલ, પ્રોવોસ્ટ ડો. અતુલ  પટેલ, રજીસ્ટ્રાર ડો. બિનીત પટેલે બિરદાવ્યો છે. ડો. અતુલ પટેલના માર્ગદર્શન હેઠળ એક્ઝામ સેક્શનના OSD ડો. અભિલાષ શુકલ અને તેમની ટીમ દ્વારા આ પ્રોજેક્ટ સફળતા પ્રાપ્ત થઈ છે.