નવી દિલ્હીઃ છત્તીસગઢના બહુચર્ચિત 3000 કરોડ રૂપિયાથી વધુના દારૂ કૌભાંડમાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલની મુશ્કેલીઓ વધી ગઈ છે. રાજ્યની એન્ટિ-કરપ્શન બ્યુરો (ACB) અને ઇકોનોમિક ઓફેન્સ વિંગ (EOW)એ સોમવારે રાયપુરની વિશેષ અદાલતમાં સાતમી સપ્લિમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી છે.આ વિશાળ 3800 પાનાંના દસ્તાવેજમાં દાવો કરવામાં આવ્યો છે કે ચૈતન્ય બઘેલ માત્ર આ સિન્ડિકેટના ‘માસ્ટર માઇન્ડ’ જ નહોતા, પરંતુ તેમને આ ગેરકાયદે ધંધામાં હિસ્સા તરીકે 200થી 250 કરોડ રૂપિયા મળ્યા હતા.
બિગ બોસ’ સંભાળતો હતો વસૂલાતનો સિન્ડિકેટ
તપાસ એજન્સી અનુસાર 2018થી 2023 દરમિયાન કોંગ્રેસ સરકારના સમયમાં એક્સાઇઝ વિભાગમાં ચાલી રહેલા બળજબરીથી વસૂલાતના રેકેટને સ્થાપિત કરવા અને તેને સંરક્ષણ આપવાની મુખ્ય ભૂમિકા ચૈતન્યની હતી. ચાર્જશીટમાં એક ગુપ્ત વોટ્સએપ ગ્રુપ ‘BIG BOSS’નો ઉલ્લેખ છે, જેના માધ્યમથી આખી સિન્ડિકેટ ચલાવવામાં આવતી હતી. ચૈતન્ય આ નેટવર્કમાં ઉચ્ચ અધિકારીઓ અને જમીન સ્તરના ગુંડાઓ વચ્ચે ‘કો-ઓર્ડિનેટર’ તરીકે કામ કરતા હતા. તેમની સૂચના અનુસાર જ ગેરકાયદે વસૂલાત અને પૈસાની વહેંચણી નક્કી થતી હતી.
કાળી કમાણી રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાનો આરોપ
તપાસ એજન્સીનો આરોપ છે કે ચૈતન્યએ કૌભાંડથી મળેલી કરોડોની રકમને છુપાવવા માટે પોતાના વિશ્વાસુ સાથીઓ અને બેંકિંગ ચેનલોનો ઉપયોગ કર્યો. ચાર્જશીટ મુજબ, દારૂ વેપારી ત્રિલોક સિંહ ઢિલ્લોની કંપનીઓ મારફતે પૈસા ચૈતન્યની પારિવારિક કંપનીઓ સુધી પહોંચાડવામાં આવ્યા. આ કાળી કમાણીનો મોટો ભાગ ‘વિટ્ઠલ ગ્રીન’ અને ‘બઘેલ ડેવલપર્સ’ જેવા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સમાં રોકાણ કરાયો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પહેલેથી જ ચૈતન્યની 61.20 કરોડ રૂપિયાની સંપત્તિ અટેચ કરી ચૂકી છે, જેમાં 364 રહેણાક પ્લોટ્સ અને ખેતીની જમીન સામેલ છે.



