સુરતમાં સેલિબ્રિટી ક્રિકેટ લીગમાં અનેક ફિલ્મી સ્ટાર ક્રિકેટ રમશે

સુરત: 11 વર્ષથી ચાહકોનું મનોરંજન કરતી લોકપ્રિય સેલિબ્રિટી ક્રિકેટ લીગ સુરત આવી રહી છે. આગામી 22 અને 23 ફેબ્રુઆરીએ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં કુલ ચાર મેચ રમાશે. આ લીગમાં 7 અલગ-અલગ ફિલ્મ ઉદ્યોગોના કુલ 150થી વધુ સેલિબ્રિટી સુરત આવશે.‘પંજાબ દે શેર’ ટીમમાં હાર્ડી સંધુ, નવરાજ હંસ, અપારશક્તિ ખુરાના, મનમીત (મીટ બ્રધર્સ), જસ્સી ગિલ, નીન્જા અને બબ્બલ રાય જેવા જાણીતા સ્ટાર્સનો સમાવેશ થાય છે. ‘મુંબઈ હીરોઝ’ ટીમમાં સોહેલ ખાન, બોબી દેઓલ, રિતેશ દેશમુખ, સાકિબ સલીમ, શરદ કેલકર અને શબ્બીર આહલુવાલિયા જેવા બોલિવૂડના ચહેરાઓ શામેલ છે.અન્ય 5 ટીમોના મુખ્ય ખેલાડીઓમાં કિચ્ચા સુદીપ, ગોલ્ડનસ્ટાર ગણેશ, મનોજ તિવારી, દિનેશ લાલ યાદવ, પ્રવેશ લાલ યાદવ, અખિલ અક્કીનેની, થમન, નિખિલ સિદ્ધાર્થ, જીશુ સેનગુપ્તા, સૌરવ દાસ, બોની સેનગુપ્તા, આર્ય, જીવા, વિક્રાંતનો સમાવેશ થાય છે.

સુરતમાં 22 ફેબ્રુઆરીએ પંજાબ દે શેર કર્ણાટક બુલડોઝર્સ સામે ટકરાશે અને ભોજપુરી દબંગ ચેન્નાઈ રાઈનોઝ સામે ટકરાશે. 23 ફેબ્રુઆરીએ મુંબઈ હીરોઝ પંજાબ દે શેર સામે ટકરાશે. એ જ દિવસે બંગાળ ટાઈગર્સ તેલુગુ વોરિયર્સ સામે ટકરાશે.સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના ક્રિકેટ સેક્રેટરી ડો. નૈમેષ દેસાઈ જણાવે છે કે સુરતમાં પ્રથમ વખત સેલિબ્રિટી ક્રિકેટ લીગની મેચ થઇ રહી છે. સુરતની ક્રિકેટ પ્રેમી તેમજ ફિલ્મ રસિક જનતાને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ પર તેમના માનીતા સ્ટાર્સને જોવાની તેમજ માણવાની મજા આવશે.

(અરવિંદ ગોંડલિયા – સુરત)