ગુજરાત સાયન્સ સિટી ખાતે વિશ્વ ઊર્જા સંરક્ષણ દિવસની ઉજવણી

વિશ્વની અર્થવ્યવસ્થાને ચલાવવા માટે ઊર્જા એ સૌથી મહત્વપૂર્ણ માધ્યમ છે. જેના દ્વારા વિવિધ ઉદ્યોગો, ઓટોમોબાઈલ, ફેક્ટરીઓ, ગેજેટ્સ, મશીનો, ઘરગથ્થુ વસ્તુઓ અને વિવિધ પ્રોજેક્ટ્સ ચલાવવામાં આવે છે. વિશ્વની અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ સાથે, ઊર્જાની માંગ પણ દર વર્ષે વધી રહી છે, તેથી ઊર્જા સંરક્ષણ જરૂરી છે.

તેમજ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઊર્જાનું સંરક્ષણ જરૂરી છે. દેશમાં ઉર્જા સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા અને દેશના નાગરિકોને ઉર્જા સંરક્ષણમાં સક્રિય ભૂમિકા ભજવવા પ્રોત્સાહિત કરવા ભારત સરકાર દ્વારા દર વર્ષે આ જ દિવસે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ ઊર્જા સંરક્ષણ દિવસ પ્રતિ વર્ષ 14 ડિસેમ્બરે વિશ્વભરમાં ઊર્જા વપરાશ ના મહત્વ અને તેના દૈનિક વપરાસ , અછત અને વૈશ્વિક ઇકોસિસ્ટમ માં તેની અસરો વિષે જાગૃતિ લાવવા મનાવવામાં આવે છે. ઊર્જા સ્ત્રોતોના સંદર્ભમાં માનવજાત સમક્ષ  ભવિષ્ય માં કેવા પડકારો આવી શકે છે તે વિષે માહિતગાર કરે છે.

ગુજરાત સાયન્સ સિટી દ્વારા લોકોમાં ગ્લોબલ વોર્મિંગ , કલાઇમેટ ચેન્જ અને ઊર્જાના સ્ત્રોતોના સંરક્ષણ વિષે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી વિશ્વ ઊર્જા સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં મોટી સંખ્યામાં વિવિધ શાળાઓના બાળકો ઉત્સાહથી જોડાયા હતા.

ગુજરાત સાયન્સ સિટી દ્વારા વિશ્વ ઊર્જા સંરક્ષણ દિવસની ઉજવણી નિમિતે ખાસ ઈંટરેક્ટિવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સાયન્સ સિટી ખાતે એનર્જી એજ્યુકેશન પાર્ક ખાતે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નિદર્શન દ્વારા વિવિધ ઊર્જા અને તે કેવી રીતે ઉત્પન્ન થાય છે તથા ઊર્જાની બચત કેવી રીતે થઈ શકે અને તેનો યોગ્ય વપરાશ કેવી રીતે કરી શકાય તે વિશે જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી સમાજને વિજ્ઞાન સાથે જોડવા કટિબદ્ધ છે. સાયન્સ સિટી દ્વારા સમયાંતરે વિવિધ કાર્યક્રમો, પ્રવૃતિઓ અને મહત્વના દિવસો ની ઉજવણી કરવામાં આવે છે જેથી કરી ને વિદ્યાર્થીઓ અને સમાજ માં વૈજ્ઞાનિક અભિગમ સુદ્રઢ કરી શકાય.