ભાજપની ભવ્ય જીતની કમલમમાં શાનદાર ઉજવણી

ભાજપનું ગુજરાતમાં 27 વર્ષથી શાસન છે, પરંતુ ભાજપ અત્યાર સુધી માધવસિંહ સોલંકીનો 149 બેઠકોનો રેકોર્ડ તોડી શકી ન હતી. પરંતું ભાજપે હવે એ પણ હાંસિલ કરી દીધું છે. ભાજપે ટ્રેન્ડમાં માધવસિંહનો 149 સીટનો રેકોર્ડ તોડ્યો છે. ત્યારે હવે કોઈ કહી નહિ શકે કે, ભાજપે બહુમત તો મેળવી પણ માધવસિંહનો રેકોર્ડ તોડી શકી નથી, ભાજપે આજે 149 થી વધુ બેઠકો પર લીડ મેળવીને આ વાત પર પણ પૂર્ણવિરામ મૂક્યું છે. ત્યારે ભાજપમાં ચારેતરફ ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. કમલમમાં ઉજવણી શરૂ થઈ ગઈ છે, તો ફટાકડા ફોડીને ઉમેદવારો જીતની ઉજવણી કરતા જોવા મળી રહ્યાં છે. કમલમમાં ઢોલનગારાના તાલે ઉજવણી શરૂ થઈ ગઈ છે. તો ભાજપની જીતના ગરબા લેવાઈ રહ્યાં છે. તો આ સાથે દિગ્ગજ નેતાઓ કમલમ પહોંચી રહ્યાં છે. સી.આર પાટીલ અને ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના લોકોનો આભાર માન્યો હતો.

સી.આર.પાટીલે ભાજપની આ શાનદાર જીતને લઈને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, પ્રચંડ બહુમતી સાથે ગુજરાતમાં સરકાર બની રહી છે. પ્રધાનમંત્રીએ અમને સતત માર્ગદર્શન આપ્યું. હતું. આ જીતનો શ્રેય પ્રધાનમંત્રી મોદીને જાય છે. વિકાસને ગુજરાતની જનતાએ પસંદ કર્યો છે. તેમણે વધુમાં કહ્યું કે અમિત શાહે પણ અમને સતત માર્ગદર્શન આપ્યું છે અને લાખો કાર્યકર્તાઓની મહેનતના કારણે આ જીત થઇ છે. અન્ય ભાજપ શાસિત રાજ્યોના CMનો પણ આભાર માનું છું. 27 વર્ષના સકારાત્મક અભિગમના કારણે જીત થઈ છે. હવે વૈભવશાળી, અગ્રેસર ગુજરાતનું સપનું લઈને આગળ ચાલીએ. તો સાથે સાથે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, કેટલાય લોકોએ અહીંયા આવીને ખોટા વાયદા કર્યા. ષડ્યંત્રકારીઓને ગુજરાતની જનતાએ જાકારો આપ્યો છે.

સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એકબીજાને મીઠાઈ ખવડાવી

ભાજપની ભવ્ય જીતની કમલમમાં ભવ્ય ઉજવણી કરવામા આવી રહી છે. જીત બાદ કમલમમાં પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એકબીજાને મીઠાઈ ખવડાવીને મોઢા મીઠા કરાવ્યા હતા. 12 ડિસેમ્બરના રોજ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે નવી સરકારની શપથવિધિ સમારોહની જાહેરાત કરાઈ છે. ગુજરાતમાં ભાજપના ભવ્ય જીતના પરચમ લહેરાવનાર સીઆર પાટીલે જાહેરાત કરી કે, 12 ડિસેમ્બરે, સોમવારે ગાંધીનગરમાં બપોરે 2 વાગે હેલિપેડ ગ્રાઉન્ડ પર શપથવિધિ સમારોહ યોજાશે. પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ શપથવિધિ સમારોહમાં હાજર રહેશે. 12મીએ ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી પદના શપથ લેશે.

ભાજપની ભવ્ય જીત વિશે સીઆર પાટીલે કહ્યું કે, ભાજપે 27 બાદ પણ સરકાર બનાવી રહી છે. જનતાએ પહેલાંથી સરકાર બનાવવાનો સંકલ્પ કર્યો હતો. ગુજરાતની જનતાનો હું આભાર માનું છું. નરેન્દ્ર મોદીએ ભાજપને જિતાડવા 21 સભા 3 રોડ શો કર્યા. નરેન્દ્ર મોદીને કારણે જીત મળી છે. ગૃહમંત્રી અમિત શાહે 33 સભા તેમજ રોડ શો કર્યા અને કાર્યકર્તાને માર્ગદર્શન આપી તૈયાર કર્યા.

ભાજપની જીત વિશે ભાજપના નેતાએ કહ્યું કે, ગુજરાતની જનતાએ બતાવી દીધું કે, અમને તુષ્ટીકરણ અને મફતમાં રસ નથી, અમને માત્ર વિકાસ અને ભાજપમાં રસ છે. આ ભાજપના ભરોસાની જીત છે. માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડવા અમે જઈ રહ્યાં છે. અમને પ્રધાનમંત્રી મોદી પર ભરોસો છે.