ભૂપેન્દ્ર પટેલ 12-ડિસેમ્બરે CM તરીકે શપથ લેશે

અમદાવાદઃ ગુજરાતમાં નવી વિધાનસભાની ચૂંટણીમાં આજે ભારતીય જનતા પાર્ટીએ આજે ધરખમ જીત હાંસલ કરીને પોતાની સત્તા બીજા પાંચ વર્ષ માટે જાળવી રાખી છે. હાલના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ જ નવી મુદતમાં આ પદ પર ચાલુ રહેશે, એમ ભાજપ ગુજરાત પ્રદેશના પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું છે.

પટેલ 12 ડિસેમ્બરે મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે. બપોરે બે વાગ્યે નિર્ધારિત એમના શપથવિધિ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહેશે. શપથવિધિ સમારોહ વિધાનસભા ભવનની પાછળ હેલિપેડ મેદાનમાં યોજાશે.

ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે, ગુજરાતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક વિજય બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે એમને ટેલિફોન કર્યો હતો અને રાજ્યમાં પક્ષની જીત બદલ અભિનંદન આપ્યા હતા. ગુજરાતની જનતાએ મોદીજી તથા ભાજપની નેતાગીરીમાં ફરી વિશ્વાસ બતાવ્યો છે.