પાટીદાર યુવાનો સામેના કેસ પરત ખેંચાયા, હાર્દિક પટેલે આભાર માન્યો

ગાંધીનગર: 2015માં પાટીદારો દ્વારા અનામત આંદોલન કરવામાં આવ્યું હતું. આ આંદોલનનાં પડઘા ગુજરાત સહિત દેશભરમાં પડ્યા હતાં. આ સિવાય આંદોલન દરમિયાન હાર્દિક પટેલ, ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથરિયા, રેશ્મા પટેલ જેવા મોટાં નેતાઓ પણ ઉભરી આવ્યા હતાં. જો કે, આ પાટીદાર અનામત આંદોલન દરમિયાન અનેક પાટીદારો સામે શાંતિ ડહોળવાનો પ્રયાસો તેમજ રાજદ્રોહ સહિતની વિવિધ ફોજદારી ધારાઓ હેઠળ ગંભીર ગુનાઓ પણ નોંધવામાં આવ્યા હતાં. ત્યારથી જ વિવિધ પાટીદાર નેતાઓ દ્વારા આ ગુનાઓ પરત ખેંચવાની માગ કરવામાં આવી રહી છે. પરંતુ, આંદોલનના 10 વર્ષ સુધી ગુના પાછા ખેંચાયા ન હતાં. જો કે, હવે 10 વર્ષ બાદ અનામત આંદોલનથી ઉભરેલા પાટીદાર નેતા હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી એવો સંદેશ આપ્યો છે કે, ભૂપેન્દ્ર પટેલની સરકારે આ ગુનાઓ પરત ખેંચી લીધા છે.

આંદોલનકારી નેતા દિનેશ બાંભણિયાએ પણ સોશિયલ મીડિયા ફેસબુક ઉપર પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસો મુખ્યમંત્રીએ પરત લેતા તેઓનો આભાર વ્યક્ત કર્યો છે. તો લાલજી પટેલે સરકારનો આભાર માની અનામત આંદોલન સમયના તમામ કેસો પરત ખેંચવાની માગ કરી હતી. જોકે આ બાબતે સરકાર દ્વારા હજુ સુધી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

અનામત આંદોલનને લઈને અનેક જગ્યાએ ઉગ્ર માગ સાથે તોડફોડ થઈ હતી. પાટીદાર અનામત આંદોલન ઉગ્ર થતાની સાથે જ અમદાવાદ, સુરત, મહેસાણા, ગાંધીનગર સહિતના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં તોફાનો થયા હતા જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત અને પાટીદાર યુવકોના મોત થયા હતા. જેના પગલે તમામ આંદોલનકારીઓ હાર્દિક પટેલ, દિનેશ બામણીયા, ચિરાગ પટેલ, અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવિયા સહિતના નેતાઓ વિરુદ્ધ રાજદ્રોહ સહિતના કેસો લાગ્યા બાદ તેમની ધરપકડ પણ થઈ હતી.

તમામ કેસો પરત ખેંચવા લાલજી પટેલની માગ

સરદાર પટેલ ગ્રુપ (એસપીજી)ના અધ્યક્ષ લાલજી પટેલે આ નિર્ણયને આવકારતા જણાવ્યું કે, “મોડે-મોડે પણ સરકાર જાગી તે સારી બાબત છે. પાટીદાર અનામત આંદોલન કોઈ વ્યક્તિગત હિત માટે નહીં, પરંતુ સમગ્ર સમાજના હિત માટે હતું.  આંદોલન દરમિયાન અનેક યુવાનો પર ખોટા કેસો કરવામાં આવ્યા હતા. હું મુખ્યમંત્રીને અપીલ કરી છું કે રાજદ્રોહના કેસોની સાથે-સાથે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા તમામ કેસો પણ પરત ખેંચવામાં આવે.”

‘કેસોની યાદી બે મહિના પહેલા સરકારને આપી હતી’ : અલ્પેશ કથીરીયા

પાટીદાર આંદોલન વખતે થયેલા કેસ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. પાટીદાર આંદોલન વખતે થયેલા કેસ પરત ખેંચવામાં આવ્યા છે.તમામ કેસ પરત ખેંચ્યા હોવાનો પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ દાવો કર્યો છે. ત્યારે પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા અને કન્વીનર અલ્પેશ કથીરિયાએ પણ સમર્થન આપતાં જણાવ્યું હતું કે, સરકારે કેસો પરત ખેંચ્યા છે. બે મહિના પહેલા જ અમારી પાસેથી યાદી મંગાવવામાં આવી હતી. કુલ 14 કેસો પરત ખેંચવામાં આવ્યા છે.

કુલ 14 કેસ પરત ખેંચાશે

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, અતિ ગંભીર પ્રકારના લગભગ 14 કેસો સરકાર દ્વારા પરત ખેંચવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં સત્તાવાર રીતે સરકાર દ્વારા યાદી પણ જાહેર કરવામાં આવશે. 8 કેસ અમદાવાદના છે, 2 કેસ સુરતના, 3 કેસ ગાંધીનગરના અને 1 કેસ મહેસાણાનો છે. આ મળી કુલ 14 જેટલા કેસો પરત ખેંચવામાં આવશે.

તેઓએ વધુમાં જણાવ્યું છે કે, સત્તાવાર રીતે આજે સાંજ સુધીમાં જાહેરાત થઈ શકે છે. પરંતુ શનિ-રવિના દિવસો આવતા હોવાના કારણે કદાચ સોમવાર સુધીમાં નિર્ણય લઈ શકાય છે. સરકાર દ્વારા કદાચ શનિવારે સાંજ સુધીમાં યાદી જાહેર કરવામાં આવે. અમારી ઉપરના જે ગંભીર પ્રકારના કેસો માત્ર બે જ છે, પરંતુ પબ્લિક ઉપરના 12 અન્ય કેસો છે, જે સૌથી વધુ લોકો ભેગા થયા ત્યારે કરવામાં આવ્યા હતા. ટોળા ઉપર આ કેસો નોંધાયા હતા.