મિઠાઈઓ પર ઉત્પાદનની તારીખ દર્શાવવાના નિયમ સામે વિરોધ

કોલકાતાઃ આજે 1 ઓક્ટોબરથી તમામ પેક ન કરાયેલી (ખુલ્લી રાખેલી) મિઠાઈઓ ઉપર પણ તે કઈ તારીખ સુધી ખાવા માટે આરોગ્યપ્રદ છે એ (best-before તારીખ) દર્શાવવાનો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)ના આદેશ સામે પશ્ચિમ બંગાળના મિઠાઈની દુકાનોના માલિકોએ વિરોધ કર્યો છે.

મિઠાઈમાલિકોએ કહ્યું છે કે આ આદેશ પશ્ચિમ બંગાળ રાજ્યની આબોહવાની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતાં અવ્યવહારુ છે, કારણ કે મોટા ભાગની મિઠાઈઓ માત્ર એક જ દિવસ ખાવાલાયક રહેતી હોય છે.

બંગાળના મિઠાઈ અને ફરસાણના ઉત્પાદકોના સંગઠને રાજ્યનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીને પત્ર લખ્યો છે અને કેન્દ્ર સરકાર સાથે આ બાબતમાં હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી છે.

એક મિઠાઈ માલિકે કહ્યું કે દરેક મિઠાઈની દુકાનના ગ્રાહકો મિઠાઈઓની ગુણવત્તા અને તાજાપણા વિશે દુકાન પર ભરોસો રાખતા હોય છે. એનું પ્રમાણપત્ર કોઈ સત્તાવાર જાહેરાતથી કરાવી શકાય નહીં.

ઉલ્લેખનીય છે કે દેશભરમાં તમામ મિઠાઈઓની પ્રત્યેક ટ્રે પર સંબંધિત મિઠાઈ કઈ તારીખ સુધીમાં ખાવા માટે આરોગ્યપ્રદ છે તે દર્શાવતા સ્ટિકર્સ મૂકવાનો આદેશ આપવામાં આવ્યો છે.

મિઠાઈમાલિકોનું કહેવું છે કે રસગુલ્લા, રસમલાઈ અને મિસ્ટી દોઈ જેવી મિઠાઈઓની ટ્રે પર ‘બેસ્ટ બીફોર તારીખ’ના સ્ટીકર લગાડવા અશક્ય છે. વધુમાં, મોટી દુકાનો-આઉટલેટ્સવાળા સ્ટિકર્સ લગાડશે, પણ નાની ગલીઓમાંના નાના મિઠાઈવાળાઓ માટે એમ કરવું મુશ્કેલ બનશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]