નવી દિલ્હીઃ દિલ્હી સહિત દેશના અનેક વિસ્તારોમાં ફળો અને શાકભાજીની કિંમતો આસમાને પહોંચી છે. ટામેટાં અને ડુંગળીની કિંમતોમાં પહેલેથી નોંધપાત્ર વધારો થયો છે, ત્યારે હવે આદું અને લીલાં મરચાં સહિત લીલાં શાકભાજીની કિંમતોમાં ખાસ્સોએવો વધારો થયો છે, જેનાથી સામાન્ય લોકોનું બજેટ બગડી ગયું છે. કેટલાંય શહેરોમાં ટામેટાંની કિંમત પ્રતિ કિલોએ રૂ. 150 પહોંચી છે. લીલાં મરચાં અને આદુંની કિંમત પ્રતિ કિલોએ ક્રમશઃ રૂ. 350-400 અને રૂ. 320-350એ પહોંચી છે.
આ સાથે દેશનાં અનેક શહેરોમાં ફ્લાવર રૂ. 80 અને ભીંડાની કિમત રૂ. 90એ પહોંચી છે. શાકભાજીની મોંઘવારીથી દરેક ઘરનું બજેટ બગડી ગયું છે. શાકભાજીની આકાશને આંબતી કિંમતોથી ના માત્ર ગૃહિણીઓને બલકે રેસ્ટોરાં અને હોટેલવાળા પણ મોંઘવારીનો માર અનુભવી રહ્યા છે. જે ટામેટાં એક મહિના પહેલાં રૂ. 10.15માં મળતા હતા, એની કિંમતો હવે રૂ. 140એ પહોંચી છે. દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં પડેલા ભારે વરસાદને કારણે શાકભાજીના સપ્લાય ચેઇનમાં વિક્ષેપ પડતાં મથકોએ શાકભાજીની આવકોમાં ઘટાડો થયો છે, જેને પગલે કિંમતોમાં વધારો થયો છે. આ કિંમતોમાં ઘટાડો હવે 15 ઓગસ્ટ પછી માલની આવકો વધતાં થશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
હાલ વરસાદને કારણે શાકભાજીની આવકોમાં ભારે ઘટાડો થયો છે, જ્યારે બીજી બાજુ ભારે વરસાદને પગલે ચોમાસુ પાક પર પણ પ્રભાવિત થઈ છે. આ ઉપરાંત માલસામાનના ટ્રાન્સપોર્ટેશન પર પણ અસર થઈ છે. જેને પગેલ સ્થાનિક બજારમાં શાકભાજી કિંમતો વધી છે, એમ તેમણે કહ્યું હતું. આઝાદપુર ટામેટા એસોસિયેશનના અધ્યક્ષ કૌશિકે જણાવ્યું હતું કે વરસાદને કારણે ઉત્પાદક કેન્દ્રોમાં પુરવઠા સાંકળમાં વિક્ષેપ પડતાં શાકભાજીની કિંમતોમાં વધારો થયો છે.
