કેન્દ્રિય બજેટ-2021માં વન-ટાઈમ કોરોના રાહત વેરો લદાશે?

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર આવતી 1 ફેબ્રુઆરીએ વર્ષ 2021-22 માટેનું કેન્દ્રીય બજેટ સંસદમાં રજૂ કરવાની છે. એમાં બે ટકા સુધીનો વન-ટાઈમ કોવિડ-19 રિલીફ સેસ લાદવામાં આવે એવી ધારણા છે. કોરોના વાઈરસ રોગચાળાને કારણે દેશના અર્થતંત્રને માઠી અસર પહોંચી છે અને તેને પુનર્ઘઠિત કરવા માટે મહેસૂલી આવકની જરૂર છે. રોગચાળાને કાબૂમાં રાખવા માટે આ વર્ષમાં ખર્ચો અભૂતપૂર્વ રીતે વધી ગયો છે તેથી મહેસૂલી આવક ઊભી કરવાનું સરકાર પર દબાણ આવ્યું છે.

એમ કહેવાય છે કે બે ટકા સુધીનો વન-ટાઈમ કોવિડ-19 રિલીફ સેસ લાદવા વિશે નાણાં મંત્રાલયમાં સક્રિય રીતે વિચારણા ચાલી રહી છે  અને મોટે ભાગે તે મંજૂર રાખવામાં આવશે એવું મનાય છે. આ કોવિડ સેસ રૂ. 10 લાખ કે તેથી વધુની કરપાત્ર આવક પર લાદવામાં આવે એવી ધારણા છે. આ કોવિડ-સેસ હાલના આરોગ્ય તથા શિક્ષણ માટે લાદવામાં આવેલા બે ટકાના સેસની ઉપરાંતનો હશે. એનાથી રૂ. 12,000 કરોડની આવક ઊભી થઈ શકવાનો સરકારને અંદાજ છે. આ સેસનો આઈડિયા ઈન્ડિયન રેવેન્યૂ સર્વિસ ઓર્ગેનાઈઝેશને ગયા વર્ષના અંતભાગમાં તેના એક નીતિવિષયક દસ્તાવેજમાં સૂચવ્યો હતો.