નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારામને વર્ષ 2021-22 માટે દેશનું કેન્દ્રીય બજેટ આજે અહીં લોકસભા ગૃહમાં પ્રસ્તુત કર્યું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ-એનડીએ સરકારે તેના શાસનકાળ દરમિયાન આ કુલ 9મું જ્યારે બીજી મુદતમાં ત્રીજું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે.
નાણાંપ્રધાને ખેડૂતો માટે પટારો ખોલી નાખ્યો છે. એમના માટેની MSP દોઢ ગણી કરવાની ખાતરી આપી છે. વર્ષ 2020-21માં 75,000 કરોડ રૂપિયાથી વધુ રકમ ઘઉંના ટેકાના ભાવના સ્વરૂપે ખેડૂતોને ચૂકવવામાં આવી. તેનો લાભ ઘઉંના 43 લાખ ખેડૂતોને થયો. પરંતુ, નોકરિયાત વર્ગને નિરાશ કર્યો છે. વ્યક્તિગત કરવેરાના માળખામાં કોઈ ફેરફાર ન કરીને નોકરિયાતોને રાહત આપી નથી. જોકે 75-વર્ષથી ઉપરની વયના વૃદ્ધજનોને આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાંથી મુક્તિ આપીને મોટી સુવિધા કરી આપી છે.
નિર્મલા સીતારામને કહ્યું કે સમાજના દરેક વર્ગોને ધ્યાનમાં રાખીને આ વખતનું બજેટ તૈયાર કરવામાં આવ્યું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટને આવકાર્યું છે અને કહ્યું કે આ વખતના બજેટમાં આત્મનિર્ભરતાનું વિઝન છે, એમાં દેશના દરેક નાગરિક અને વર્ગનો સમાવેશ કરવામાં આવ્યો છે.
દરમિયાન, આમ આદમી પાર્ટીએ બજેટ માટે કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી છે. પાર્ટીએ તેના ટ્વિટર હેન્ડલ પરથી કરેલા ટ્વીટમાં લખ્યું છે કે, ‘રેલવે વેચી દેશે, રસ્તાઓ વેચી દેશે, એરપોર્ટ વેચી દેશે, વીજળી વેચી દેશે, ખેડૂતોને વેચી દેશે, વેરહાઉસો વેચી દેશે, પણ મિત્રોં, સૌગંધ મુઝે ઈસ મિટ્ટી કી, મૈં દેશ નહીં બિકને દૂંગા.’
સંસદમાં બજેટ રજૂ કરતા પહેલાં, નિર્મલા સીતારામન રાષ્ટ્રપતિભવન ખાતે ગયાં હતાં જ્યાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેન્દ્રીય બજેટને મંજૂરી આપી હતી. ત્યારબાદ સીતારામન સંસદભવન પહોંચ્યાં હતાં. સંસદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, રાજ્યકક્ષાના નાણાંપ્રધાન અનુરાગ ઠાકુર પણ ઉપસ્થિત હતા.
આ છે, નિર્મલા સીતારામનનાં બજેટ ભાષણ અને કેન્દ્રીય બજેટની મુખ્ય વિશેષતાઓઃ
- સરકારે કોરોના કાળમાં 80 કરોડ ગરીબોને મફત ભોજન આપ્યું
- આત્મનિર્ભર પેકેજ જીડીપીનો 13 ટકા હિસ્સો
- સરકારે બહુ કઠિન સમય-સંજોગોમાં આ બજેટ તૈયાર કર્યું છે. દેશમાં કોરોનાથી મૃત્યુ દર સૌથી ઓછો છેઃ નિર્મલા સીતારામન
- દેશમાં 8 કરોડ લોકોને મફતમાં રાંધણગેસ પૂરો પાડવામાં આવ્યો છે. 80 કરોડ લોકોને મફતમાં અનાજ આપવામાં આવ્યું છે
- બજેટ દિવસના પ્રારંભે શેરબજારની પોઝિટિવ શરૂઆત
- કોરોનાના કાળમાં સરકારે આત્મનિર્ભરતા માટે શરૂ કરેલું કાર્ય
- આ બજેટ આર્થિક સુધારાને ટકાવી રાખશે
- વૈશ્વિક અર્થતંત્ર પર કોરોનાને કારણે બોજ આવ્યો
- આરોગ્ય સેવાને મહત્ત્વ આપવાની જાહેરાત
- કોવિડ-19 સામેની લડાઈ 2021માં પણ ચાલુ રહેશે
- ટૂંક સમયમાં કોરોના માટેની વધુ રસીઓ આવવાની સંભાવના
- સર્વાંગી આરોગ્યના પોર્ટલનું વિસ્તરણ કરવામાં આવશે
- નાગરિકોના પોષણ માટેની યોજનાઓને એકત્રિત કરીને પોષણ અભિયાનનો બીજો તબક્કો શરૂ કરવામાં આવશે.
- 5 ટ્રિલ્યનનું અર્થતંત્ર બનાવવા માટે મેન્યુફેક્ચરિંગનું મહત્ત્વ છે.
- કોવિડ-19 રસી માટે 35,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
- સાત મેગા ઇન્વેસ્ટમેન્ટ ટેક્સટાઇલ પાર્ક લોન્ચ
- રોગચાળા દરમ્યાન પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના પેકેજની જાહેરાત
- 7400 પ્રોજેક્ટ માટે નેશનલ ઇન્ફ્રા પાઇપલાઇનમાં
- આરબીઆઇએ 27 લાખ કરોડ પેકેજનું એલાન કર્યું
- આગામી ત્રણ વર્ષમાં સાત ટેક્સટાઇલ પાર્ક્સ સ્થાપવામાં આવશે.
- વાઇરોલૉજી માટે પ્રાદેશિક સંસ્થાઓની સ્થાપના કરવામાં આવશે.
- વિકાસકાર્યો માટે નાણાં આપનારી સંસ્થાની રચના કરવાની જાહેરાત
- જૂનાં વાહનો માટે સ્ક્રેપિંગ પોલિસી
- રેલવેની અને ઍરપોર્ટ્સની મિલકતોમાંથી સરકાર નાણાં ઊભાં કરશે.
- ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની અને સરકારી ઍસેટ્સમાંથી નાણાં ઊભાં કરવાની જાહેરાતને પગલે સેન્સેક્સમાં તુરંત આવ્યો ઉછાળો. ઇન્ડેક્સ 650 પોઇન્ટ વધ્યો હતો, જે જાહેરાત બાદ 729 પોઇન્ટ વધ્યો
- નાણાકીય વર્ષ 2022 માટે મૂડી ખર્ચ રૂ. 5.5 લાખ કરોડ
- GAIL, IOC, HPCL સરકારી કંપનીઓની એસેટ્સ વેચવામાં આવશે.
- આરોગ્ય સેવાને સુધારવા માટે 61,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
- વિકાસકાર્યો માટે નાણાં આપનારી સંસ્થાને 20,000 કરોડ રૂપિયાની મૂડી આપવામાં આવશે.
- શહેરી સ્વચ્છતા માટે 1.41 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી
- સરકારે અને રિઝર્વ બૅન્કે કોવિડને પગલે જાહેર કરેલાં રાહતનાં તમામ પગલાંનો કુલ ખર્ચ 27.1 લાખ કરોડ રૂપિયા થાય છે, જે કુલ રાષ્ટ્રીય પેદાશના 13 ટકા જટેલી રકમ છે.
- રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવા માટે નવા આર્થિક કોરિડોર બનાવવામાં આવશે.
- માર્ગ પરિવહન મંત્રાલય માટે 1.18 કરોડ રૂપિયાની જોગવાઈ
- રૂ. 64,180 કરોડની હેલ્થ સ્કીમની જાહેરાત. બધાં રાજ્યોનો હેલ્થ ડેટા બેઝ તૈયાર કરાશે.
- નાણાપ્રધાને ઓટો સેક્ટર માટે વોલન્ટરી સ્ક્રેપિંગ પોલિસીની જાહેરાત કરી
- મૂડીગત ખર્ચ માટે 5.54 લાખ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે.
- જળજીવન મિશન માટે 2.87 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી.
- દેશના સર્વપ્રથમ કાગળરહિત બજેટનું ભાષણ ટેબ્લેટ પરથી વાંચી રહ્યાં છે નાણાપ્રધાન નિર્મલા સીતારામન
- માર્ચ 2022 સુધીમાં 8,500 કિ.મી.ના હાઇવેનું બાંધકામ કરવામાં આવશે, જે હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાર્યના ભાગરૂપે હશે.
- ઑટો ક્ષેત્રને પ્રોત્સાહન મળે એ માટે નાણાપ્રધાને વાહનો ભંગારમાં કાઢવાને લગતી નીતિની જાહેરાત કરી.
- જમ્મુ-કાશ્મીરમાં ગૅસની પાઇપલાઇન બિછાવવાનું કાર્ય શરૂ કરાશે
- રેલવે માટે 1.10 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવાની જાહેરાત.
- શહેરોમાં હવાના પ્રદૂષણને નાથવા માટે 2,217 કરોડ રૂપિયા આપવામાં આવશે.
- કોમોડિટી માર્કેટના વિકાસ માટે તેનું પરિતંત્ર વિકસાવવામાં આવશે.
- વીમા ક્ષેત્રમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણની મર્યાદા 49 ટકાથી વધારીને 74 ટકા કરવામાં આવી.
- ગૅસ ઑથોરિટી ઑફ ઇન્ડિયા લિમિટેડ (ગેઇલ) અને ઇન્ડિયન ઓઇલ કૉર્પોરેશન (આઇઓસી) તથા હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ)ની પાઇપલાઇન વેચીને નાણાં ઊભાં કરવામાં આવશે.
- ઉજ્જવલા યોજના હેઠળ 1 કરોડ વધુ લાભાર્થીઓને આવરી લેવામાં આવશે.
- સરકારી બૅન્કોના મૂડીકરણ માટે 20,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી.
- કૉર્પોરેટ ક્ષેત્ર માટેની પ્રોત્સાહક જાહેરાતોને પગલે સેન્સેક્સમાં લગભગ 2 ટકાનો ઉછાળો.
- નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન લાઇફ ઇન્સ્યૉરન્સ કૉર્પોરેશન (એલઆઇસી)નો આઇપીઓ લાવવામાં આવશે.
- રૂ. 1.75 લાખ કરોડના ડિસઇન્વેટમેન્ટનું લક્ષ્ય
- મૂડી ખર્ચ હેઠળ ગયા વર્ષની બજેટની જોગવાઈની તુલનાએ 34.5 ટકાનો વધારાની સાથે રૂ. 5.54 કરોડની જોગવાઈ. આને લીધે આવતા વર્ષે મોટા પાયે રોજગારીનું સર્જન થશે
- નાણાકીય વર્ષ 2022 માટે સરકારી બેન્કો માટે રૂ. 20,000 કરોડની ફાળવણી
- નાણાકીય વર્ષ 2022માં બે સરકારી બેન્ક વેચવામાં આવશે
- આત્મનિર્ભર ભારત હેઠળ 13 ક્ષેત્રોના ઇન્ફ્રા સેક્ટરને ગ્લોબલ ચેમ્પિયન બનાવવા માટે પાંચ વર્ષમાં રૂ. 1.97 લાખ કરોડ ખર્ચ કરવામાં આવશે. જેનાથી સ્ટીલ, સિમેન્ટ અને ઇન્ફ્રા ક્ષેત્રે લાભ થવાની આશા.
- આરોગ્ય બજેટ રૂ. 94,000 કરોડથી વધારીને રૂ. 2.38 લાખ કરોડની જાહેરાત.
- શહેરી સ્વચ્છ ભારત મિશન માટે રૂ. 1,41,678 કરોડ પાંચ વર્ષમાં ખર્ચ કરાશે
અત્યાર સુધીમાં 3800 કિ.મી.ના રસ્તાઓનું નિર્માણ કરાયું. માર્ચ, 2022 સુધી 8500 કિલોમીટર રસ્તાઓ બનાવાશે - ખેડૂતો માટે બધી કોમોડિટી પર MSP દોઢ ગણી કરવામાં આવી
- મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને વેગ આપવા માટે ઉત્પાદન સાથે સંકળાયેલી 1.97 લાખ કરોડ રૂપિયાની સવલતો આપવામાં આવશે.
- આગામી નાણાકીય વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટનાં તમામ પગલાંનો અમલ કરવામાં આવશે.
- 2021-22 માટેનો ડિસઇન્વેસ્ટમેન્ટનો 1.75 લાખ કરોડ રૂપિયાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો.
- કૉર્પોરેટ ક્ષેત્ર માટેની મોટી જાહેરાતઃ એક વ્યક્તિની કંપની સ્થાપવા માટે સરકારે આપી મંજૂરી
- સરકારે કંપનીઝ ઍક્ટ 2013માં ફેરફાર કરવાની જાહેરાત કરી. હવે નાની કંપનીઓની વ્યાખ્યા બદલવામાં આવી છે. આવી કંપનીઓની મૂડીની મર્યાદા 50 લાખ રૂપિયાથી વધારીને 2 કરોડ રૂપિયા કરાઈ અને ટર્નઓવરની મર્યાદા 2 કરોડથી વધારીને 20 કરોડ રૂપિયા કરાઈ.
- આર્થિક મુશ્કેલીમાં સપડાયેલી બૅન્કોના થાપણદારોને રાહત આપવામાં આવશે.
- બજેટના ભાષણમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કૉર્પોરેટ ક્ષેત્ર પહેલાં આવ્યાં, કૃષિ ક્ષેત્ર પછીથી આવ્યું.
- વર્ષ 2020-21માં 75,000 કરોડ રૂપિયાથી વધુ રકમ ઘઉંના ટેકાના ભાવના સ્વરૂપે ખેડૂતોને ચૂકવવામાં આવી. તેનો લાભ ઘઉંના 43 લાખ ખેડૂતોને થયો.
- કૃષિ ક્ષેત્ર માટે 2021-22માં 16.5 લાખ કરોડ રૂપિયાનું ધિરાણ આપવાનું લક્ષ્ય.
- મત્સ્યવિકાસ માટે પાંચ મોટા કિનારાઓનો વિકાસ કરવામાં આવશે.
- બે સરકારી બૅન્કો અને એક સરકારી જનરલ ઇન્સ્યૉરન્સ કંપનીનું ખાનગીકરણ કરવામાં આવશે.
- ભારત પેટ્રોલિયમ, કોન્કોર, પવનહંસ અને ઍર ઇન્ડિયાનું ડિસઇન્વેસ્ટમેન્ટ 2021-22માં કરવામાં આવશે.
- 2020-21માં ડાંગરના ખેડૂતોને 1.72 લાખ કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી.
- ગોલ્ડ એક્સચેન્જ માટે સેબી નિયામક
બોન્ડ માર્કેટ માટે કાયમી સંસ્થાકીય માળખું બનાવાશે - પાવર ક્ષેત્ર માટે 3,05 984 કરોડની યોજના લાવવામાં આવશે
સિક્યોરિટી માર્કેટ કોડ લોન્ચ કરવાની નાણાપ્રધાનની જાહેરાત - રેલવે બજેટ માટે રૂ. 1.1 લાખ કરોડનો ખર્ચ કરાશે
46,000 કિમીની રેલવેની લાઇન ઇલેક્ટ્રિક ટ્રેનો દોડશે
ટુરિસ્ટો માટે નવી ટ્રેનો ચલાવાશે અને નવા કોચ લગાવાશે. - તામિલનાડુમાં 3500 કિમી રોડ કોરિડોરનો પ્રસ્તાવ
કેરળમાં રૂ. 65,000 કરોડના રસ્તાથી 1100 કિમી હાઇવેનું બાંધકામ - પ. બંગાળમાં રૂ. 95,000 કરોડના ખર્ચે 675 કિમી હાઇવે
આસામમાં ત્રણ વર્ષમાં 1300 કિમી હાઇવેનું બાંધકામનું લક્ષ્ય - લદ્દાખના લેહમાં સેન્ટ્રલ યુનિવર્સિટી બનાવવામાં આવશે
- 100 નવી સૈનિક સ્કૂલ સ્થાપિત કરાશે. આ સ્કૂલ એનજીઓ, ખાનગી સ્કૂલ અને રાજ્યોની સાથે મળીને ખોલવામાં આવશે
- આસામ, બંગાળના ચાના બગીચામાં કામ કરતા કામદારો માટે રૂ. 1000 કરોડની ફાળવણી
વર્ષ 2021-22નું બજેટ આ છ પાયાઓ પર રચવામાં આવ્યું છેઃ
- આરોગ્ય અને કલ્યાણ
- ભૌતિક, નાણાકીય મૂડી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર
- મહત્ત્વાકાંક્ષી ભારત માટે સર્વાંગી વિકાસ
- મનુષ્યબળની શક્તિઓમાં વૃદ્ધિ
- નવસર્જન અને સંશોધન-વિકાસ
- લઘુતમ નિયમો, મહત્તમ વહીવટ
- સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઔદ્યોગિક એકમો માટેની ફાળવણી બમણી કરવામાં આવશે. સરકાર 15,700 કરોડ રૂપિયા ફાળવશે.
- દરિયાના પેટાળમાંથી સ્રોતો ઊભા કરવા માટે સરકાર ડીપ ઓશન મિશન હેઠળ આગામી ચાર વર્ષોમાં 4,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.
- નાણાકીય વર્ષ 2020-21 માટેની રાજકોષીય ખાધ કુલ રાષ્ટ્રીય પેદાશના 9.5 ટકા રહેવાની ધારણા
- લઘુતમ વેતન યોજના તમામ શ્રેણીઓના કામદારો માટે લાગુ કરવામાં આવશે. મહિલાઓને પૂરતા રક્ષણ સાથે તમામ શ્રેણીઓમાં કામ કરવા દેવાશે.
- વરિષ્ઠ નાગરિકો માટેની પ્રત્યક્ષ કરવેરાની જોગવાઈઓ જાહેર કરવામાં આવી. 75 વર્ષથી વધુ વયના નાગરિકોએ હવે આવક વેરાનું રિટર્ન નહીં ભરવું પડે. જેમને ફક્ત પેન્શન અને વ્યાજની આવક થતી હશે એવા આ વરિષ્ઠ નાગરિકો માટે જોગવાઈ કરવામાં આવી છે.
- વર્ષ 2021-22 માટેની રાજકોષીય ખાધ કુલ રાષ્ટ્રીય પેદાશના 6.8 ટકા રાખવાનો લક્ષ્યાંક જાહેર કરાયો.
- આવક વેરાનું એસેસમેન્ટ ફરીથી ખોલવા માટેની સમયમર્યાદા 6 વર્ષથી ઘટાડીને 3 વર્ષની કરવામાં આવી. જે કેસમાં એક વર્ષની અંદર 50 લાખ રૂપિયા કે તેનાથી વધુની આવક છુપાડવામાં આવી હોવાનો નક્કર પુરાવો હશે એ કેસમાં એસેસમેન્ટ 10 વર્ષની અંદર ફરીથી ખોલવામાં આવી શકે છે
- ડિજિટલ પેમેન્ટ પર રૂ. 1500 કરોડનું ઇન્સેન્ટિવ
- એપીએમસીને વિકસિત કરવા માટે રૂ. એગ્રી ઇન્ફ્રા ફંડની જાહેરાત. આ વર્ષે રૂ. 75,000 કરોડની વધુ રકમના ઘઉંની ખરીદી, જ્યારે યુપીએ સરકાર વખતે છેલ્લા વર્ષમાં રૂ. 32,000 કરોડની ખરીદી થઈ હતી.
- સરકારી બસ ટ્રાન્સપોર્ટેશન માટે રૂ. 18,000 કરોડની ફાળવણી
- સસ્તા ઘરની ખરીદી માટે હોમ લોનના વ્યાજ પર અપાયેલી 1.5 લાખ રૂપિયાની કરમુક્તિ વધુ એક વર્ષ માટે લંબાવાઈ, અર્થાત્ આ કરમુક્તિ હવે 31 માર્ચ, 2022 સુધીની રહેશે.
- સસ્તાં ઘરો માટેની ટૅક્સ હોલિડે સ્કીમ પણ એક વર્ષ માટે લંબાવાઈ.
- ફોરેન રિટાયરમેન્ટ ફંડ્સ પર બિનરહીશ ભારતીયોને લાગુ પડતું ડબલ ટૅક્સેસન રદ કરવા માટે સરકાર નિયમો જાહેર કરશે.
- જો માલિકો નોકરિયાતોના પ્રોવિડન્ટ ફંડમાં પોતાનું ભંડોળ સરકારમાં મોડેથી જમા કરાવશે તો તેમને તેનું ડિડક્શન નહીં મળે.
- આવક વેરાના રિટર્નમાં હવે કૅપિટલ ગેઇન્સ અને બૅન્કો, પોસ્ટ ઑફિસ, વગેરેમાંથી મળતા વ્યાજની રકમ પણ પહેલેથી ભરાઈને આવશે.
- ટૅક્સ ઑડિટ માટેની મર્યાદા 5 કરોડથી વધારીને 10 કરોડ રૂપિયા કરવામાં આવી.
- સરકાર વર્તમાન નાણાકીય વર્ષના ખર્ચની જરૂરિયાત પૂરી કરવા માટે વર્ષના બાકી રહેલા સમયમાં 80,000 કરોડ રૂપિયાનું કરજ લેશે, અર્થાત્ સરકાર આ રકમના બોન્ડ જાહેર કરશે અથવા એવી બીજી કોઈ યોજના જાહેર કરશે.
- સ્ટાર્ટ અપ માટેનો ટૅક્સ હોલિડે પણ એક વર્ષ માટે લંબાવાયો.
- સોના-ચાંદી પરની કસ્ટમ ડ્યૂટી ઘટાડવામાં આવી
- ઓટો પાર્ટસ પરની કસ્ટમ ડ્યૂટી 15 ટકા સુધી વધારાઈ
- વ્યક્તિગત કરવેરા બાબતે કોઈ પણ ફેરફાર જાહેર નહીં કરીને નાણાપ્રધાને નોકરિયાતોને નિરાશ કર્યા
- સેન્સેક્સ 1,700 પોઇન્ટ વધ્યો. નવા કરવેરા નહીં આવતાં કૉર્પોરેટ ક્ષેત્રને રાહતની લાગણીને પગલે શેરબજારમાં ઉછાળો. જોકે, બજેટની જોગવાઈઓ વિશે પ્રતિક્રિયાઓ આવતાં ફેરફાર થતો રહેવાની ધારણા.