ન્યૂયોર્કઃ માઈક્રોબ્લોગિંગ વેબસાઈટ કંપની ટ્વિટર તેને હસ્તક કરવાનો 44 અબજ ડોલરનો સોદો રદ કરવાનો નિર્ણય લેવા બદલ ઈલોન મસ્ક સામે કાનૂની પગલું ભરવા વિચારી રહી છે. ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ મસ્કને અદાલતમાં ઢસડી જવા માટે ટ્વિટરે ન્યૂયોર્કની જાણીતી કાયદા કંપની વોચેલ, લિપ્ટન, રોઝેન એન્ડ કેટ્ઝ એલએલપીને રોકી છે. આ લૉ કંપની કોર્પોરેટ કાયદાઓ માટે જાણીતી છે. ટ્વિટર કંપની આવતા અઠવાડિયે ડેલાવેર રાજ્યની કોર્ટમાં મસ્ક સામે મુકદ્દમો નોંધાવશે.
મસ્ક વતી કેસ અન્ય એક જાણીતા લૉ કંપની ક્વિન ઈમેન્યૂએલ ઉરકાર્ટ એન્ડ સુલિવાન લડશે. ટ્વિટરના ચેરમેન બ્રેટ ટેલરે કહ્યું છે કે અમારી કંપનીના બોર્ડ સભ્યો આ સોદો મસ્ક સાથે જે કિંમતમાં નક્કી કરાયો હતો એ જ પ્રમાણે તેનો અમલ કરાવવા પ્રતિબદ્ધ છે અને મર્જર કરાર અમલમાં મૂકાય એ પહેલાં અમે કાનૂની પગલું ભરવાના છીએ. અમને આશા છે કે ડેલાવેરની કોર્ટમાં અમે કેસ જીતીશું.
ઉલ્લેખનીય છે કે મસ્કે એમ કહીને ટ્વિટરને ખરીદવાનો સોદો સસ્પેન્ડ અથવા રદ કરી દીધો છે કે ખરીદી સોદાના કરારમાં અનેક પ્રકારના ઉલ્લંઘનો કરવામાં આવ્યા છે. ટ્વિટરમાં સ્પેમ કે નકલી એકાઉન્ટ્સની સંખ્યા પાંચ ટકાથી ઘણી વધારે છે એવું અમારું માનવું છે.
