NSE પર ટેક્નિકલ ખામીને લીધે ટ્રેડિંગ ખોરવાયાં

નવી દિલ્હીઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ પર બુધવારે બપોરે 11.40 કલાકથી ટેક્નિકલ ખામીને કારણે કામકાજ ખોરવાયાં છે. જેથી શેરબ્રોકર્સ અને ડીલર્સે એની માહિતી ગ્રાહકોએ આપતાં બીએસઈ પર ટ્રેડ કરવાની સલાહ આપી હતી. એનએસઈએ આ વિશે કહ્યું હતું કે ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરની સાથે કેટલીક અડચણોને ટ્રેડિંગ અટકેલાં છે. એક્સચેન્જ આ સમસ્યાનું સમાધાન શોધવાના પ્રયાસ કરી રહ્યું છે.

એનએસઈ પાસે બે સર્વિસ પ્રોવાઇડર્સ દ્વારા કેટલીય ટેલિકોમ લિન્ક્સ છે, જે વધારાની ક્ષમતા પૂરી પાડે છે. બંને ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ પાસેથી મળેલી માહિતી મુજબ  તેમની સિસ્ટમમાં ખામી છે, જેનાથી કામકાજ પર પ્રતિકૂળ અસર પડી છે. જેવી ટેક્નિકલ ખામી દૂર થશે, અમે ફરીથી ટ્રેડિંગ શરૂ કરીશું, એમ એક્સચેન્જે કહ્યું હતું.

ઝેરોથાના સીઈઓ નીતિન કામથે કહ્યું હતું કે એનએસઈએ 11.40 કલાકે બધા પ્રકારના ટ્રેડિંગ (ઈક્વિટી, વાયદા અને કરન્સી) અટકાવી દીધાં હતાં.

નાણા મંત્રાલયે આ માટે એક્સચેન્જ તરફથી આ મામલે અહેવાલ મગાવ્યો હતો. મંત્રાલયે કહ્યું હતું કે આ એક્સચેન્જની કામગીરી પર નજર છે અને અહેવાલ આપ્યા પછી જ પગલાં લઈ શકાશે. મંત્રાલયે ટ્રેડરોનાં હિતોનું ધ્યાન રાખવા માટે નિર્દેશ આપ્યા હતા.