ભોપાલઃ હાલના દિવસોમાં ટામેટાં ન્યૂઝમાં છે. ક્યાંક ટામેટાંની ચોરી થઈ રહી છે તો ક્યાંક વેપારી ટામેટાંની સુરક્ષા માટે બાઉન્સરો રાખવામાં આવ્યા છે. સોશિયલ મિડિયા પર ટામેટાંની ચર્ચા સૌથી વધુ થઈ રહી છે, કેમ કે ટામેટાંની કિંમતો દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, પણ ક્યાંક ટામેટાં મફતમાં મળે તો? ત્યારે મધ્ય પ્રદેશના અશોકનગરમાં એક મોબાઇલ દુકાનદારે કમાલની ઓફર રાખી છે. શોપકીપરે એક સ્માર્ટફોનની ખરીદી પર બે કિલો ટામેટાં મફત આપવાની ઓફર શરૂ કરી છે. દુકાન પર આ ઓફરનું બોર્ડ પણ લગાવી દીધું છે. ત્યાર બાદ દુકાનદારને ત્યાં મોબાઇલ ખરીદવા લાઇન લાગી ગઈ છે.
વાસ્તવમાં મુસીબતોમાં તક શોધવી એ પણ એક કલા છે. મોબાઇલ દુકાનદારે મોબાઇલ શોરૂમમાંથી મફતમાં ટામેટાંનું સેલ લગાવી દીધું છે. દુકાનદારના જણાવ્યાનુસાર તેઓ આશરે એક ક્વિન્ટલ મફતમાં ટામેટાં વહેચી ચૂક્યો છે.
ટામેટાં મફતની સ્કીમ લોકોને પસંદ
દુકાનદાર અભિષેક અગ્રવાલનું કહેવું છે કે મફત ટામેટાંની ઓફર લોકોને પસંદ આવી છે. હાલ ટામેટાંની કિંમતો કૂદકે ને ભૂસકે વધી રહી છે, જેથી મેં દરેક સ્માર્ટફોનની ખરીદી પર ગ્રાહકોને બે કિલો ટામેટાં મફત આપવાની જાહેરાત કરી છે. એ સ્કીમથી અમને ઘણો લાભ થયો છે. આ ફ્રીમાં ટામેટાંની ઓફરનો વિડિયો સોશિયલ મિડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. કેટલાય લોકો ટામેટાંની કિંમતો પર મીમ્સ પણ બનાવી રહ્યા છે, એમ તેણે કહ્યું હતું.
દેશનાં બજારોમાં હાલના દિવસોમાં ટામેટાંની કિંમતો પ્રતિ કિલોએ રૂ. 160થી રૂ. 180 પહોંચ્યા છે, જ્યારે કેટલીક જગ્યાએ પ્રતિ કિલો રૂ. 200 સુધી પહોંચ્યા છે.