નવી દિલ્હીઃ વર્ષ 2023ની જેમ નવું વર્ષ 2024 પણ કેન્દ્રીય ક્રર્મચારીઓ અને પેન્શનર્સ માટે ગિફ્ટ લઈને આવવાનું છે. અહેવાલો મુજબ નવા વર્ષમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં અને પેન્શનર્સને મોંઘવારીમાં રાહતમાં ચાર ટકાનો વધારો થવાની શક્યતા છે, જેથી પગાર અને પેન્શનમાં બમ્પર વધારો થવાની શક્યતા છે. નવા વર્ષમાં સરકાર DA વધારવાનું એલાન બજેટમાં કરે એવી શક્યતા છે.
કેન્દ્રીય કર્મચારીઓને 46 ટકા DAનો લાભ મળે છે. એ જુલાઈથી ડિસેમ્બર, 2023 સુધી લાગુ કરવામાં આવ્યું હતું. DAમાં આગામી વધારો જાન્યુઆરી, 2024માં થશે. AICPI ઇન્ડેક્સના અર્ધવાર્ષિક આંકડાને આધારે કર્મચારીઓ-પેન્શનર્સના DA અને DRના દરો જાન્યુઆરી અને જુલાઈમાં રિવાઇઝ કરવામાં આવે છે. 2023માં જાન્યુઆરી અને જુલાઈનું મળીને કુલ આઠ ટકા DA વધારવામાં આવ્યું હતું અને હવે આગામી DA 2024માં રિવાઇઝ કરવામાં આવશે, જે જુલાઈથી ડિસેમ્બર, 2023ના AICPI ઇન્ડેક્સ ડેટા પર નિર્ભર કરશે.
નવા વર્ષમાં DAમાં ચાર કે પાંચ ટકાનો વધારો થવાની શક્યતા છે. જોકે નવેમ્બર અને ડિસેમ્બરના આંકડામાં વધારા પછી DA સ્કોર 50 ટકા અથવા તેનાથી વધુનો વધારો હોઈ શકે. DAનો સ્કોર ચાર ટકા વધ્યા પછી 50 ટકા થઈ જશે. આવી સ્થિતિમાં કર્મચારીઓની સેલેરીમાં રિવિઝન કરવામાં આવશે.કર્મચારીઓ માટે DAના આગામી દરોનું એલાન બજેટના સમયે થવાની શક્યતા છે, કેમ કે આગામી વર્ષે એપ્રિલથી મેમાં લોકસભાની ચૂંટણીની તારીખોના એલાન પછી આચારસંહિતા પણ લાગુ થઈ જશે. DA વધારાનો લાભ 48 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને 68 લાખ પેન્શનર્સને મળશે.