અમદાવાદઃ BSE સેન્સેક્સે જાન્યુઆરી, 2021ના 50,000થી 56,000ની દોડ 18 ઓગસ્ટ, 2021એ પૂરી કરી છે. આ સમયમાં સેન્સેક્સ 12 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સને 55,000થી 56,000ના સ્તરે પહોંચવામાં માત્ર ચાર સેશનનો સમય લાગ્યો હતો, જે આ વર્ષે સૌથી ઝડપી 1000 પોઇન્ટનો ઉછાળો છે. આ સમયગાળામાં રોકાણકારોની સંપત્તિમાં 22 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો હતો.
BSE લિસ્ટેડ કંપનીઓનું સરેરાશ માર્કેટ કેપ 18 ઓગસ્ટે 240.86 કરોડે પહોંચ્યું હતું, જે જાન્યુઆરી, 2021માં 196.51 લાખ કરોડ હતું. સેન્સેક્સનો આગામી લક્ષ્યાંક 56,500 અને 57,000નો છે. 13 ઓગસ્ટે 54,900 તોડ્યા પછી સેન્સેક્સે છેલ્લા ચાર સેશનમાં નવો હાઈ બનાવ્યો છે.
BSE મિડકેપમાં 22 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં 40 ટકાનો ઉછાળો આવ્યો હતો, જેથી રોકાણકારોને નોંધપાત્ર લાભ થયો હતો. બજારમાં હાલ ચાલી રહેલી તેજી લાર્જ કેપ શેરોને આભારી છે, જે છેલ્લા સાત-આઠ મહિનામાં સુસ્તીમાં હતા. વળી પ્રાઇમરી માર્કેટમાં IPOની ભરમારથી પણ શેરબજારમાં તેજી યથાવત્ જળવાઈ રહી હતી. જોકે બજારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પ્રમાણમાં હજી તેજીની ચાલ જોવા નથી મળી, એમ કોટક સિક્યોરિટીઝના શ્રીકાંત ચૌહાણે કહ્યું હતું.
શેરબજારમાં પાછલા મહિનાથી અત્યાર સુધી બ્રોડર માર્કેટમાં નફારૂપી વેચવાલી જોવા મળી હતી. જાન્યુઆરીથી અત્યાર સુધીની શેરબજારની ચાલ પર નજર કરીએ તો કેટલાક મિડ અને સ્મોલકેપે દિગ્ગજ શેરોની તુલનાએ ઘણું સારું વળતર આપ્યું છે.