વોડાફોન-આઈડિયાને બચાવવાના પ્રયાસો જોરમાં

મુંબઈઃ ભારતમાં ટેલિકોમ ક્ષેત્રમાં જોરદાર સ્પર્ધા જામી છે ત્યારે જ વોડાફોન આઈડિયા લિમિટેડ (VIL) બંધ થવા તરફ આગળ વધી રહી છે. આ કંપનીનું અસ્તિત્વ બચાવવાના પ્રયાસો હાલ ચાલુ છે. મોટા દેવામાં ડૂબી ગયેલી વોડાફોન આઈડિયા લિમિટેડ માટે તેનું અસ્તિવત્વ બચાવવાના હવે બધા રસ્તા બંધ થઈ ચૂક્યા છે ત્યારે એક આખરી વિકલ્પ પર વિચારણા ચાલી રહી છે. કેન્દ્ર સરકાર એને BSNL/MTNL ની જેમ કોઈ રાહત પેકેજ દ્વારા ઉગારી શકે છે. જાહેર ક્ષેત્ર મોરચે, કેન્દ્ર સરકાર તેની બે કંપની – બીએસએનએલ અને એમટીએનએલને બચાવવાના પ્રયાસોમાં વ્યસ્ત છે. એ માટે સરકાર પોતાની આ બંને કંપનીનું મર્જર કરવાના પ્રયાસોમાં છે. એવી ચર્ચા છે કે કેન્દ્ર સરકાર ઈચ્છે તો વોડાફોન આઈડિયાને પણ બચાવી શકે છે. તે ધારે તો આ કંપનીનું બીએસએનએલ/એમટીએનએલમાં વિલિનીકરણ કરી શકે છે. એ સિવાય એની પાસે બીજો કોઈ વિકલ્પ નથી.

જોકે સરકાર VIને કોઈ રાહત આપતા પહેલાં એવું ઈચ્છે છે કે એના પ્રમોટર્સ VIમાં મોટી રકમનું ઈન્વેસ્ટમેન્ટ કરે. VIને ઋણ આપવા માટે અમુક નાણાંસંસ્થાઓ તૈયાર છે, પરંતુ તેઓ ઈચ્છે છે કે એમને તેમનું ઋણ સહીસલામત રીતે પાછું મળે એની તેમને ગેરન્ટી મળવી જોઈએ. ખાનગી ક્ષેત્રમાં, વિદેશી વોડાફોન અને દેશી આઈડિયા કંપનીઓનું મર્જર થઈ ચૂક્યું છે અને બીએસએનએલ તથા એમટીએનએલનું મર્જર હજી અધ્ધર લટકેલું છે. આ બંને સરકારી કંપનીઓ વેન્ટીલેટર સપોર્ટ પર છે જ્યારે વોડાફોન ઈન્ડિયા આઈસીયૂમાં દાખલ થઈ ચૂકી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]