કોરોનો વકરતાં સેન્સેક્સ 1708, નિફ્ટી 524 પોઇન્ટ તૂટ્યા

અમદાવાદઃ દેશમાં કોરોનાના કેસોમાં સતત વધારાને પગલે મહારાષ્ટ્રમાં ફરી એક વાર લોકડાઉન લાગવાની શક્યતા અને અન્ય રાજ્યોમાં પ્રતિબંધો વધુ કડક કરવાના અહેવાલે બજારનું સેન્ટિમેન્ટ ખરડાયું હતું. 26 ફેબ્રુઆરી પછી પહેલી વાર સેન્સેક્સ અને નિફ્ટી ત્રણ ટકા કરતાં વધુ તૂટ્યા હતા. બીએસઈ સેન્સેક્સ 1707 તૂટાને 47,883 અને નિફ્ટી ઇન્ડેક્સ 524 પોઇન્ટ તૂટીને 14,310ના મથાળે બંધ રહ્યા હતા. બીએસઈ મિડકેપ ઇન્ડેક્સ 5.3 ટકા અને સ્મોલકેપ 4.8 ટકા તૂટ્યા હતા. સપ્તાહના પ્રારંભે આશરે 200 શેરોમાં નીચલી સરકિટ લાગી હતી.

રોકાણકારોના નવ લાખ કરોડ સ્વાહા

બીએસઈ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ નવ એપ્રિલના રૂ. 209.6 લાખ કરોડ હતું, જે ઘટીને 200.9 લાખ કરોડ પર આવી ગયું હતું. જેથી એક દિવસમાં રોકાણકારોના રૂ. 8.7 લાખ કરોડ સાફ થયા હતા.

સોમવારે બધાં ક્ષેત્રોની કંપનીઓના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી પીએસયુ બેન્ક ઇન્ડેક્સ સવા નવ ટકા અને મિડિયા ઇન્ડેક્સ આઠ ટકા, રિયલ્ટી ઇન્ડેક્સ 7.5 ટકા, મેટલ ઇન્ડેક્સ છ ટકા અને ઓટો અને ખાનગી બેન્ક ઇન્ડેક્સ પાંચ ટકા નીચે સરક્યા હતા.

FPIએ એપ્રિલમાં રૂ. 929 કરોડની ચોખ્ખી વેચવાલી

વિદેશી પોર્ટફોલિયો  રોકાણકારોએ (FPI) એપ્રિલમાં અત્યાર સુધી ભારતીય બજારોમાંથી રૂ. 929 કરોડ પરત ખેંચ્યા હતા. વિદેશી રોકાણકારોએ શેરોમાંથી રૂ. 740 કરોડ અને ડેટબજારોમાંથી રૂ. 189 કરોડ પરત ખેંચ્યા છે. આમ તેમણે ચોખ્ખી રૂ. 929 કરોડની વેચવાલી કરી હતી. આ પહેલાં માર્ચ સુધીમાં FPIએ ભારતીય બજારોમાં 17,304 કરોડ, ફેબ્રુઆરીમાં રૂ. 23,663 કરોડ અને જાન્યુઆરીમાં 14,649 કરોડનું મૂડીરોકાણ કર્યું હતું.