એમેઝોન ઈન્ડિયા 10-લાખ લોકોની કોરોના-રસીનો ખર્ચ ઉઠાવશે

મુંબઈઃ દેશભરમાં હવે 45 વર્ષથી વધુની વયના લોકોને કોરોનાવાઈરસ-વિરોધી રસી આપવાની મંજૂરી આપવામાં આવી છે ત્યારે એમેઝોન ઈન્ડિયા કંપનીએ કહ્યું છે કે તે 10 લાખથી વધારે લોકોનો કોવિડ-19 રસીના ડોઝનો ખર્ચ ઉઠાવશે.

એમેઝોન ઈન્ડિયાના સિનિયર વાઈસ-પ્રેસિડન્ટ અને કન્ટ્રી મેનેજર અમિત અગ્રવાલે એક નિવેદનમાં કહ્યું છે કે, આ 10 લાખ લોકોમાં કંપનીના ભારતમાંના કર્મચારીઓ, સહયોગી વ્યક્તિઓ, એમેઝોન.ઈન પર ગયા વર્ષથી એક્ટિવ લિસ્ટિંગ્સના વેચાણકારો, કામગીરીઓમાં ભાગીદારીના નેટવર્કમાં સામેલ એમેઝોન ફ્લેક્સ ડ્રાઈવર્સ સહિત ડિલીવરી સર્વિસ પાર્ટનરના સહયોગીઓ, ‘આઈ હેવ સ્પેસ’ સ્ટોર પાર્ટનર્સ, ટ્રકિંગ પાર્ટનર્સ તથા એમના હકદાર આશ્રિતોનો સમાવેશ થાય છે. અમેરિકા સ્થિત પિતૃ કંપની એમેઝોને કોવિડ-19 સંબંધિત પગલાંઓ લેવા માટે વિશ્વસ્તરીય 11.5 અબજ ડોલરનું મૂડીરોકાણ કર્યું છે.