રશિયન કોરોના-વિરોધી રસી ‘સ્પુતનિક V’ને ભારતમાં મંજૂરી

નવી દિલ્હીઃ રશિયામાં નિર્મિત ‘સ્પુતનિક V’ (સ્પુતનિક વી) કોરોના-પ્રતિબંધક રસીનો ભારતમાં કોરોનાવાઈરસ બીમારી સામેના જંગમાં ઈમરજન્સી ઉપયોગ કરવા દેવા માટે કેન્દ્ર સરકારે આજે મંજૂરી આપી છે. આમ, ભારતમાં કોરોનાવાઈરસ રોગચાળા સામે લોકોને રક્ષણ આપવા માટે રસીનો ત્રીજો વિકલ્પ મળશે. દેશની ડ્રગ્સ કન્ટ્રોલર એજન્સી ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ) આ પહેલાં કોવિશીલ્ડ (ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા) અને કોવેક્સીન (ભારત બાયોટેક) રસીઓને મંજૂરી આપી ચૂકી છે. ભારતમાં અનેક રાજ્યોમાં કોરોના-વિરોધી રસીની તંગી સર્જાઈ છે તેથી આ ત્રીજી રસી પણ ઉપલબ્ધ થવાથી કોરોનાને કાબૂમાં લાવવામાં ઘણી મદદ મળશે.

કેન્દ્ર સરકારે નિમેલી નિષ્ણાત સમિતિએ ભારતમાં તાકીદની પરિસ્થિતિમાં ઉપયોગમાં લેવા માટે ‘સ્પુતનિક V’ રસીને આજે મંજૂરી આપી છે. ‘સ્પુતનિક V’ રસી ત્રીજી ક્લિનિકલ અજમાયશમાં 91.6 ટકા અસરકારકતા સાબિત કરી છે. ‘સ્પુતનિક V’ રશિયાની ગમાલીયા રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એપિડીમિયોલોજી એન્ડ માઈક્રોબાયોલોજી દ્વારા બનાવવામાં આવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]