સુપ્રીમ કોર્ટના 44 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસની બીજી લહેર ઘાતક બની રહી છે. દેશમાં કોરોનાના રેકોર્ડ નવા કેસો નોંધવામાં આવી રહ્યા છે. દેશની સર્વોચ્ચ કોર્ટમાં કોરોના પ્રસર્યો છે. સુપ્રીમ કોર્ટના 44 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. જેથી સુપ્રીમ કોર્ટના બધા જજ વિડિયો કોન્ફન્સિંગ દ્વારા પોતાના ઘરેથી સુનાવણી કરશે. કોર્ટને સેનેટાઇટ કરવાનું કામ ચાલી રહ્યું છે. સુપ્રીમ કોર્ટમાં આશરે 3400 સ્ટાફ મેમ્બર છે.

કોર્ટના જજ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે કહ્યું હતું કે કોરોના રોગચાળાને લીધે કોર્ટના કામકાજને અસર નહીં થાય. સુપ્રીમ કોર્ટમાં વિડિયો કોન્ફરન્સિંગ માટે 1600 લિન્ક મોજૂદ છે. કોર્ટમાં ન્યાયિક કામકાજ માટે સંસાધન મોજૂદ છે. જેથી કોર્ટના કામકાજમાં કોઈ ખલેલ નહીં પડે. 16 બેન્ચ સુનાવણી કરી રહી છે. હવે બધી ફાઇલો ઇલેક્ટોનિક રૂપમાં છે, ફાઇલોને ખસેડવાની જરૂરત નથી.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,68,912 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 904 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,35,27,717 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,70,179 લોકોનાં મોત થયાં છે. છેલ્લા 24 કલાકમાં 75,086 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 12,01,009 પહોંચી છે. દેશમાં રિકવરી રેટ વધીને 89.86 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.26 ટકા થયો છે.