ઓનલાઇન શોપર બેઝની સંખ્યા 2027 સુધીમાં 40-45 કરોડે પહોંચશે

બેંગલુરુઃ દેશમાં ઓનલાઇન શોપિંગનો ક્રેઝ જે રીતે વધી રહ્યો છે, એ જોતાં ઓનલાઇન શોપર (દુકાનદાર)નો બેઝ 2027 સુધીમાં વધીને 40-45 કરોડ થઈ જશે અને મોટા ભાગના શોપર્સ ડિજિટલ શોપિંગની ચેનલ સાથે સંકળાયેલા છે, એમ બેન એન્ડ કંપનીના નવા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. ગયા વર્ષે જ દેશના ઈ-રિટેલ માર્કેટ સાથે ચારથી પાંચ કરોડ શોપર્સ ઉમેરાયા હતા. વર્ષ 2020માં ઓનલાઇન શોપરના બેઝમાં આશરે 30-35 ટકાનો વધારો થયો હતો. ભારત શોપર બેઝની દ્રષ્ટિએ વિશ્વમાં ત્રીજું સ્થાન ધરાવે છે અને આગામી એક-બે વર્ષમાં એ અમેરિકાને વટાવીને બીજો શોપર બેઝ બની જશે, એમ રિપોર્ટ કહે છે. વર્ષ 2021માં દેશમાં 19 કરોડ ઓનલાઇન શોપર્સ હતા.

ફ્લિપકાર્ટે હાલમાં જ ધ બિગ બિલિયન ડે (TBBD)નું સમાપન કર્યું હતું, જેમાં તેણે કહ્યું હતું કે તહેવારોની સીઝનમાં એક અબજ ગ્રાહકોએ વેબસાઇટની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તહેવારોની સીઝનમાં 3.5 કરોડ વાર એપ ડાઉનલોડ કરવામાં આવી હતી. એમેઝોન અને મીશોએ પણ ટૂ ટિયર શહેરોમાં અને અન્ય વિસ્તારોમાં નોંધપાત્ર વેચાણ કર્યું હતું.

નવા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે નવા ગ્રાહકોએ મોટા પાયે ટિયર 3 અથવા નાનાં શહેરોમાં ઓનલાઇન નીચા કિંમતની ચીજવસ્તુઓની ધૂમ ખરીદી કરી હતી, જે વેચાણ માટે ભવિષ્યમાં મહત્ત્વનાં બનવાની શક્યતા છે. ગ્રાહકોએ પ્રાથમિક રીચે ફેશનની કેટેગરીમાં ખરીદી કરી હતી. મીશોએ જણાવ્યું હતું કે તહેવારોમા સૌથી વધુ વેચાણ પેશન, હોમ અને કિચન, ઇલેક્ટ્રોનિક એક્સેસરીઝ અને બ્યુટી અને પર્સનલ કેરના માલસામાનનું થયું હતું.