મુંબઈઃ નાણાં પ્રધાન નિર્મલા સીતારામને વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સની ટ્રાન્સફર પર 30 ટકા ટેક્સ લાગુ કરવાની જાહેરાત કરી છે. ભારતમાં આવું પહેલી વાર થઈ રહ્યું છે. સામાન્ય રીતે સટ્ટા પર આવો કરવેરો લાદવામાં આવતો હોય છે. વર્ચ્યુઅલ એસેટ્સની ટ્રાન્સફર કરતી વખતે થનારા ખર્ચને અથવા એમાં કોઈ નુકસાન થાય તો તેને મજરે નહીં આપવાનું પણ નાણાપ્રધાને કહ્યું છે.
નોંધનીય છે કે ભારતમાં ક્રીપ્ટોકરન્સીના વર્ગીકરણ બાબતે તથા તેને લાગુ પડનારા કરવેરા બાબતે અનેક માગણીઓ થતી આવી છે. હવે કરવેરા બાબતે સ્પષ્ટતા આવી છે. ઔપચારિક વર્ગીકરણ અંગે સ્પષ્ટતા થવાની રાહ જોવાઈ રહી છે.
વર્ચ્યુઅલ એસેટ્સના ટ્રાન્સફરના વ્યવહારો પર ચોંપ રાખી શકાય એ માટે બજેટમાં આ પેમેન્ટ પર 1 ટકો ટીડીએસ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ એસેટ્સ ગિફ્ટ તરીકે આપવામાં આવે તો જેને ગિફ્ટ મળે એના હાથમાં એ કરપાત્ર બનશે.
આ ઉપરાંત નાણાપ્રધાને આવતા નાણાકીય વર્ષમાં ડિજિટલ રૂપિયો લૉન્ચ થવાની જાહેરાત કરી છે.
દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો ક્રીપ્ટોકરન્સીનો વિશ્વનો પ્રથમ ઇન્ડેક્સ – આઇસી15 4.48 ટકા (2,393 પોઇન્ટ) વધીને 55,823 પોઇન્ટ બંધ રહ્યો હતો. આઇસી15 ઇન્ડેક્સ 53,430 ખૂલ્યા બાદ ઉપરમાં 56,933 અને નીચામાં 53,160 પોઇન્ટ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ | |||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
53,430 પોઇન્ટ | 56,933 પોઇન્ટ | 53,160 પોઇન્ટ | 55,823 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 1-2-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |