‘ગિફ્ટ સિટી આઈએફએસસી માટે બજેટ પ્રોત્સાહક‘

વી. બાલાસુબ્રમણ્યમ: (એમડી અને સીઈઓ- ઈન્ડિયા આઈએનએક્સ)

કેન્દ્રના નાણાપ્રધાને નાણાકીય વર્ષ 2023નું રજૂ કરેલું બજેટ સમગ્ર ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યાં છે અને તે દેશના બધા વર્ગોની અપેક્ષાઓ સંતોષશે. કોવિડ-19 મહામારી અને તાજેતરમાં તેના ચાલી રહેલા ત્રીજા મોંજાથી અસર પામેલા દેશના અર્થતંત્રને ફરી પાટે ચડાવવા માટેનાં સંખ્યાબંધ પગલાંનો સમાવેશ તેમાં થાય છે.

ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ (આઈએફએસસી)ની દૃષ્ટિએ જોઈએ તો 2022ના બજેટે વૈશ્વિક સ્તરની નાણાકીય સેવાઓ અને પ્રોડકટસ પૂરા પાડવા માટેના એક છત્રરૂપ સંસ્થા તરીકે ગિફ્ટ આઈએફએસસીની સ્થિતિ ઓર મજબૂત બનાવવા માટેની નવેસરથી પ્રેરણા પૂરી પાડી છે. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની ખાતરી માટે એક ચાવીરૂપ જોગવાઈ એ કરવામાં આવી છે કે ગિફ્ટ સિટીમાં અસરકારક અને સક્ષમ વિવાદ નિવારણ યંત્રણા સ્થાપવામાં આવશે. આંતરરાષ્ટ્રીય કાર્યક્ષેત્ર હેઠળ વિવાદોનું સમયસર નિવારણ થાય એ માટે એક ઈન્ટરનેશનલ આર્બિટ્રેશનની સ્થાપનાનો માર્ગ બજેટમાં મોકળો કરવામાં આવ્યો છે. આના કારણે રોકાણકારોના વિશ્વાસમાં વધારો થશે.

આઈએફએસસીને “વૈશ્વિક નાણાકીય મથક’’ તરીકે ઉત્તેજન આપવા માટે બજેટમાં બિનનિવાસીઓની વિદેશી ડેરિવેટિવ્ઝ ઈન્સ્ટ્રુમેન્ટ્સમાંથી તેમ જ આઈએફએસસીમાં પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસમાંથી થતી આવકને વેરામાંથી મુક્તિ આપવાનું સૂચન કરવામાં આવ્યું છે. આ પગલાથી ટ્રેડિંગને વેગ મળશે એટલું જ નહિ આઈએફએસસી ખાતેનાં માન્યતાપ્રાપ્ત સ્ટોક એક્સચેન્જીસમાં પ્રવાહિતા પણ વધશે. ઓફ્ફશોર બેન્કિંગ યુનિટ દ્વારા ઈશ્યુ કરાયેલાં ઓવર ધ કાઉન્ટર ડેરિવેટિવ્ઝને અને શિપના લીઝના વ્યાજને કારણે થયેલી આવકને પણ મુક્તિ આપવામાં આવતાં આઈએફએસસી બધા વેપાર માટેનું એકમાત્ર સ્થાન બની રહેશે.

દેશમાં સસ્ટેનેબલ અને ક્લાયમેટ ફાઈનાન્સ માટે વિશ્વમાંથી મૂડી એકત્ર કરવાની સર્વિસીસ ગિફ્ટ આઈએફએસસીમાંથી પૂરી પાડવાનું આયોજન છે, જે આઈએફએસસી ખાતે ગ્રીન ફાઈનાન્સને વેગ આપશે. ગિફ્ટ આઈએફએસસી ખાતે વિદેશી યુનિવર્સિટીઓ અને ઈન્સ્ટિટ્યૂશન્સને તેમના ફાઈનાન્સિયલ મેનેજમેન્ટ કોર્સીસ ઓફર કરવાની છૂટ આપવાનું સૂચન કરાયું છે. આ પગલાથી ઉચ્ચ બૌદ્ધિક સંપત્તિ ઉપલબ્ધ થશે.