સ્ટાર્ટઅપ્સને કરવેરાનો લાભ આપવા માટેની મુદત લંબાવાઈ

નવી દિલ્હીઃ સરકારે જાહેર કરેલી કરવેરાની સવલતોનો લાભ લેવા માટે સ્ટાર્ટઅપ્સને આપવામાં આવેલો સમયગાળો હવે એક વર્ષ લંબાવીને ૩૧ માર્ચ, ૨૦૨૩ સુધીનો કરવામાં આવ્યો છે. આ પગલું નવોદિત ઉદ્યમીઓ (આંત્રપ્રેન્યોર)ને પ્રોત્સાહન આપશે.

નોંધનીય છે કે ૩૧ માર્ચ, ૨૦૨૨ પહેલાં સ્થપાયેલાં પાત્ર સ્ટાર્ટઅપ્સને સ્થાપનાના વર્ષથી દસ વર્ષ સુધી સતત ત્રણ વર્ષ માટે કરવેરાની સવલતો આપવામાં આવી હતી. હવે તારીખ ૩૧ માર્ચ, ૨૦૨૩ સુધીમાં સ્થપાયેલાં સ્ટાર્ટઅપ્સને એ લાગુ પડશે.

માન્યતાપ્રાપ્ત સ્ટાર્ટઅપ્સને એક પ્રમાણપત્ર આપવામાં આવે છે, જેને કારણે એમની આવક કરવેરાથી મુક્ત હોય છે.

નાણાપ્રધાને બજેટના ભાષણમાં કહ્યું હતું કે સ્થાનિક મેન્યુફેક્ચરિંગ કંપનીઓને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે અમુક પ્રકારની કંપનીઓને ૧૫ ટકાના રાહતના દરે કરવેરો લાગુ કરવામાં આવે છે. આ સવલતનો લાભ લેવા માટે એવી શરત હતી કે ઉત્પાદન ૩૧ માર્ચ, ૨૦૨૩ સુધીમાં શરૂ થવું જોઈએ. હવે એ તારીખ લંબાવીને ૩૧ માર્ચ, ૨૦૨૪ કરવામાં આવી છે.

ડ્રોનનો વિવિધ ક્ષેત્રે ઉપયોગ વધારવા માટે સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવામાં આવશે, એમ જણાવતાં સીતારમણે કહ્યું હતું કે તમામ રાજ્યોમાં પસંદગીની આઇટીઆઇમાં કૌશલ્યવિકાસ માટેના અભ્યાસક્રમો શરૂ કરવામાં આવશે. સંરક્ષણના સંશોધન અને વિકાસ માટેના કાર્યનો સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓ માટે કરવામાં આવશે. આ કાર્ય માટેના બજેટમાંથી ૨૫ ટકા હિસ્સો તેના માટે ફાળવવામાં આવ્યો છે.