મુંબઈઃ અમેરિકામાં ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે નાણાકીય બાબતોમાં સાવચેતીભર્યો સૂર વ્યક્ત કર્યો હોવાથી અને સિલ્વરગેટ બેન્કને લગતી અનિશ્ચિતતાઓ હોવાથી ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં બુધવારે ઘટાડો નોંધાયો હતો. માર્કેટનો બેન્ચમાર્ક-IC15 ઇન્ડેક્સ 411 પોઇન્ટ ઘટ્યો હતો. ઇન્ડેક્સના ઘટકોમાંથી મોટા ભાગના કોઇનમાં ઘટાડો થયો હતો, જેમાં સોલાના, પોલકાડોટ, પોલિગોન અને અવાલાંશ બેથી સાત ટકાના ઘટાડા સાથે મુખ્ય હતા. એક્સઆરપી, યુનિસ્વોપ અને બિનાન્સમાં ચાર ટકા સુધીનો વધારો થયો હતો.
બ્રાઝિલની કેન્દ્રીય બેન્કે દક્ષિણ અમેરિકામાં નાણાકીય સેવાઓ પૂરી પાડવાના હેતુસર પોતાની સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સીનો પ્રયોગ શરૂ કર્યો છે. ઇરાને પણ સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી લોન્ચ કરવાની દિશામાં પગલાં ભર્યાં છે. બીજી બાજુ, થાઇલેન્ડની સરકાર રોકાણ માટે ડિજિટલ ટોકન ઇસ્યુ કરનારી કંપનીઓને કરવેરામાં રાહત આપવા લાગી છે. આવી કંપનીઓ માટે કોર્પોરેશન ટેક્સ અને વેલ્યુ એડેડ ટેક્સ માફ કરવા સરકાર સંમત થઈ છે.
અગાઉ, ત્રણ વર્ષે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – IC15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.29 ટકા (411 પોઇન્ટ) ઘટીને 31,321 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 31,731 ખૂલીને 31,822ની ઉપલી અને 31,065 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.