યુક્રેન પર રશિયાનું આક્રમણ: આઇસી15-ઇન્ડેક્સ 12% ગબડ્યો

મુંબઈઃ રશિયાએ યુક્રેન પર કરેલા આક્રમણના આકરા પ્રત્યાઘાત ઈક્વિટીની સાથે સાથે ક્રીપ્ટોકરન્સી માર્કેટ પર પડતાં બિટકોઇન ઇન્ટ્રાડે ધોરણે 12 ટકા ઘટ્યો હતો. રોકાણકારોએ ક્રીપ્ટોકરન્સી અને સ્ટૉક્સની મોટાપાયે વેચવાલી કરતાં બન્ને બજાર ગુરુવારે ગગડ્યાં હતાં.

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને યુક્રેન પરનો હુમલો નાઝીવાદ દૂર કરવા માટેની વિશેષ લશ્કરી કાર્યવાહી હોવાનું કહ્યું છે, જ્યારે યુક્રેનના પ્રમુખ વોલોદીમીર ઝેલેન્સ્કીએ કહ્યું છે કે રશિયા યુરોપમાં મોટાપાયે યુદ્ધની શરૂઆત કરે એવો અંદેશો છે.

અન્ય એક અહેવાલ મુજબ યુક્રેનની સેન્ટ્રલ બૅન્કે આ હુમલાને પગલે ઈલેક્ટ્રોનિક નાણાંના ઉપયોગ પર તાત્પુરતો પ્રતિબંધ મૂક્યો છે.

રશિયાનાં દળોએ કરેલા આક્રમણની અસર તળે ક્રીપ્ટો માર્કેટમાં 242 મિલ્યન ડૉલરનો ઘટાડો થયો હતો.

દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 12.06 ટકા (6,786 પોઇન્ટ) ઘટીને 49,507 પોઇન્ટ બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સ 56,293 ખૂલીને 56,892 સુધીની ઉંચી અને 49,205 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
56,293 પોઇન્ટ 56,892 પોઇન્ટ 49,205 પોઇન્ટ 49,507

પોઇન્ટ

ડેટાનો સમયઃ 24-2-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)