આઇસી15 ઇન્ડેક્સ 2,266 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાની અસર તળે તથા ફુગાવો વધવાની આશંકાને પગલે વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાયું છે અને તેને પગલે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે બપોર સુધીમાં બિટકોઇન 41,000 ડૉલરની સપાટીને અડીને ફરીથી સુધર્યો હતો.

રશિયાએ યુક્રેનના અણુ વીજમથક પર કબજો જમાવી લીધો છે. ઝાપોરિઝ્ઝીઆ ખાતેના આ વીજમથકને અથડામણ દરમિયાન આગ લાગી હતી, જેને કાબૂમાં લેવામાં આવી છે. જોકે, તેની પહેલાં આગને કારણે કિરણોત્સર્ગનું જોખમ ઊભું થયું હતું.

અગાઉ, ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે સેનેટની બૅન્કિંગ કમિટી સમક્ષ બીજા દિવસની રજૂઆતમાં કહ્યું હતું કે દેશમાં ફુગાવો વધવાની શક્યતા છે. યુક્રેનમાં જામેલી લડાઈને કારણે પુરવઠો ખોરવાયો છે અને તેને કારણે ફુગાવો ઘટવાની શક્યતા નથી.

બિટકોઇન પાછલા બંધથી ત્રણેક ટકા નીચે 41,500 ડૉલર અને ઈથેરિયમ 5 ટકા ઘટીને 2,700 ડૉલરના સ્તરે પહોંચ્યા છે.

દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલા વિશ્વના સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15માં શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ઇન્ટ્રાડે ધોરણે 4,533 પોઇન્ટનો ઉતારચડાવ થયા બાદ ઇન્ડેક્સ 3.68 ટકા (2,266 પોઇન્ટ) ઘટીને 59,291 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 61,557 ખૂલીને 62,750 સુધીની ઉંચી અને 58,217 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
61,557 પોઇન્ટ 62,750 પોઇન્ટ 58,217 પોઇન્ટ 59,291

પોઇન્ટ

ડેટાનો સમયઃ 4-3-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)