નવી દિલ્હીઃ હાલમાં બહાર આવેલા એનએસઈના પ્રકરણમાં માર્કેટ રેગ્યૂલેટર ‘સેબી’એ પૂરતાં પગલાં લીધાં છે કે કેમ એ જાણવા સરકાર પ્રયત્ન કરી રહી છે, એમ નાણાપ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું છે.
એક અખબારને આપેલી મુલાકાતમાં નાણાપ્રધાને કહ્યું છે કે જ્યારે સંપૂર્ણપણે અપારદર્શક રીતે, મનસ્વી રીતે તથા કાયદા અને સુશાસનના નિયમોને નેવે મૂકીને નિર્ણયો લેવાય ત્યારે શું થાય એનું આ ઉદાહરણ છે. ‘સેબી’એ આવશ્યક દંડાત્મક પગલાં લીધાં હતાં કે નહીં એ સરકાર તપાસી રહી છે.
સિક્યૉરિટીઝ માર્કેટની નિયમનકાર સંસ્થાએ આ કેસમાં પૂરતું ધ્યાન આપ્યું હતું કે કેમ અને પૂરતું ધ્યાન આપ્યા બાદ સ્થિતિ સુધારવા માટેનાં પૂરતાં પગલાં લીધાં હતાં કે કેમ એ બાબતે સરકાર વિશ્લેષણ કરી રહી છે, એમ સીતારામને ચિત્રા રામકૃષ્ણ અને ‘હિમાલયવાસી’ યોગીના કિસ્સામાં સરકાર તરફથી પહેલી પ્રતિક્રિયામાં કહ્યું છે.
નિયમનકારી માળખાને વધુ મજબૂત બનાવવાની આવશ્યકતા વિશ પુછાતાં નાણાપ્રધાને કહ્યું હતું કે ‘સેબી’એ પોતાને મળેલી સત્તાનો પૂરતો અને યોગ્ય ઉપયોગ કર્યો હતો કે નહીં એ એક સવાલ છે. લોકોમાં એવી છાપ પ્રવર્તે છે કે તેણે એવું કર્યું નથી. આ બાબત ચિંતાનો વિષય છે. મારો પોતાનો નહીં, લોકોનો આ મત છે અને મારે એ બાબતે તપાસ કરવી પડશે. સાથે સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે સરકાર કોઈ પણ સંસ્થાને નબળી પાડવા માગતી નથી. આ સંસ્થાઓની છાપ બગડે એવું કોઈ પગલું અમે લઈ શકીએ નહીં. આમ છતાં સવાલ એ છે કે અપારદર્શક રીતે કામ ચાલી રહ્યું હતું ત્યારે એનએસઈએ પોતે કેમ તેના પર લક્ષ આપ્યું નહીં.
હાલમાં ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે અર્થતંત્રની સ્થિતિ બાબતે સરકારની ટીકા કરી છે એ સંબંધે સીતારામને કહ્યું હતું કે મનમોહન સિંહે 2G અને કોલસા કૌભાંડ પ્રત્યે આંખ આડા કાન કર્યા હતા. એનએસઈમાં જે ચાલી રહ્યું હતું એ વિશે ડૉ. સિંહે એમના નાણાપ્રધાનને સવાલ કર્યા ન હતા. વડા પ્રધાન મોદી પોતાના અંગત લાભ માટે અર્થતંત્ર સાથે રમત કરવાનું જાણતા નથી. આ કામ અગાઉની સરકારે કર્યું છે.