નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે બાસમતી ચોખાનું ન્યૂનતમ મૂલ્ય પ્રતિ ટન 1200 ડોલરથી ઘટાડીને 950 ડોલર પ્રતિ ટન કરી દીધી છે. બાસમતી ચોખાની ન્યૂનતમ કિંમત વધુ રહેવાને કારણે નિકાસ પર પ્રતિકૂળ અસર પડી રહી હતી. બાસમતી ચોખાની ન્યૂનતમ કિંમત ઘટાડ્યાની જાણ વેપાર મંત્રાલયે એક્સપોર્ટ પ્રમોશન સંસ્થા APEDAને મોકલી દીધી છે.સરકારે ઓગસ્ટમાં ખાદ્ય ફુગાવો વધવાને કારણે સ્થાનિક બજારમાં બાસમતી ચોખાનો પુરવઠો જાળવી રાખવા માટે બાસમતીની નિકાસ માટેની ફ્લોર પ્રાઇઝમાં વધારો કર્યો હતો. જોકે હવે સ્થાનિક બજારમાં બાસમતી ચોખામાં નવો પાક આવવા લાગતાં સરકારને આવતા એક મહિનામાં કિંમતોમાં ઘટાડાની અપેક્ષા છે.
જોકે બાસમતી ચોખાની કિંમતો ઊંચી રહેવાને કારણે નિકાસમાં ઘટાડો થતાં ખેડૂતોએ અને ટ્રેડર્સે મહત્ત્વનાં રાજ્યોમાં ચૂંટણી હોવાથી દેખાવો કર્યા હતા. વળી, આંતરરાષ્ટ્રીય બજારમાં પાકિસ્તાનના બાસમતી ચોખાની કિંમતોની તુલનાએ ભારતીય ચોખાની ઊંચી કિંમતો હોવાથી માગમાં ઘટાડો થયો હતો.એપ્રિલથી ઓગસ્ટના સમયગાળામાં ભારતીય બાસમતી ચોખાની નિકાસ ગયા વર્ષના સમાનગાળામાં 12 ટકા વધીને 20 લાખ ટને પહોંચી, જે મૂલ્યની દ્રષ્ટિએ રૂ. 2200 કરોડ થતી હતી. જોકે લઘુતમ મૂલ્ય વધુ હોવાને કારણે ધીમો વધારો થયો હતો.