જિયો દ્વારા પ્રથમ સેટેલાઇટ આધારિત ગિગાબાઇટ બ્રોડબેન્ડ લોન્ચ

નવી દિલ્હી: વિશ્વના સૌથી મોટા પ્રાઇવેટ મોબાઇલ ડેટા નેટવર્ક રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડે અત્યંત દુર્ગમ ગણાતા ભૌગોલિક વિસ્તારોમાં હાઇસ્પીડ બ્રોડબેન્ડ સર્વિસીઝ પૂરી પાડવા માટે ભારતની પ્રથમ સેટેલાઇટ-આધારિત ગિગા ફાઇબર સર્વિસીઝ સફળતાપૂર્વક લોન્ચ કરી છે. કંપની હવે જમીન, હવા, સમુદ્ર અને અવકાશમાં દરેક જગ્યાએ દરેક વસ્તુને જોડશે. કંપનીએ શુક્રવારે ઈન્ડિયા મોબાઇલ કોંગ્રેસમાં જિયોસ્પેસફાઇબર નામના તેના નવા સેટેલાઇટ બ્રોડબેન્ડની રજૂઆત કરી હતી. આ સેવા દેશમાં અત્યંત પોસાય તેવા ભાવે ઉપલબ્ધ થશે.

રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ અંબાણીએ શુક્રવારે ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસના જિયો પેવેલિયનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જિયોસ્પેસફાઇબર સહિતની સ્વદેશી ટેકનોલોજી અને ઉત્પાદનો વિશેની માહિતી આપી હતી.

કંપની 450 મિલિયનથી વધુ ભારતીય ગ્રાહકોને હાઇસ્પીડ બ્રોડબેન્ડ ફિક્સ્ડ લાઇન અને વાયરલેસ સેવાઓ પૂરી પાડી રહી છે. કંપનીને લીધે ગ્રાહકો અને વ્યવસાયોને ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના વિશ્વસનીય, ઓછી વિલંબિતતા સાથેની અને હાઇસ્પીડ ઇન્ટરનેટ તથા મનોરંજન સેવાઓની અભૂતપૂર્વ સગવડ મળી છે. હવે સેટેલાઇટ નેટવર્ક મોબાઇલ બેકહોલ માટે વધારાની ક્ષમતાને પણ સંચાલિત કરશે અને તે દેશના અંતરિયાળ વિસ્તારોમાં જિયો ટ્રુફાઇવGની ઉપલબ્ધતા અને ક્ષમતાને વધુ વિસ્તારશે.

કંપની વિશ્વની અદ્યતન મિડિયમ અર્થ ઓર્બિટ (MEO) સેટેલાઇટ ટેક્નોલોજીનો લાભ લેવા માટે SES સાથે ભાગીદારી કરી રહી છે, જે એકમાત્ર MEO કોન્સ્ટેલેશન છે, જે અવકાશમાંથી ખરેખર યુનિક ગિગાબાઇટ, ફાઇબર જેવી સેવાઓ પૂરી પાડવા માટે સક્ષમ છે. કંપની પાસે SESના ઓ3બી અને નવા ઓ3બી એમપાવર ઉપગ્રહોના સંયોજનની એક્સેસ છે તે સાથે તે એકમાત્ર એવી કંપની છે, જે ગેમ-ચેન્જિંગ ટેક્નોલોજી આપે છે.

જિયોએ ભારતમાં લાખો ઘરો અને વ્યવસાયોને પ્રથમ વખત બ્રોડબેન્ડ ઇન્ટરનેટનો અનુભવ કરવા માટે સક્ષમ બનાવ્યા છે. જિયોસ્પેસફાઇબર સાથે અમે હજી સુધી નહીં જોડાયેલા લાખો લોકોને આવરી લેવા માટે અમારી પહોંચને વિસ્તારીએ છીએ, એમ રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ અંબાણીએ જણાવ્યું હતું.

“જિયો સાથે મળીને અમે એક યુનિક સોલ્યૂશન સાથે ભારત સરકારની ડિજિટલ ઈન્ડિયા પહેલને સમર્થન આપવા બદલ ખુશ છીએ, આ ટેક્નોલોજીનો ઉદ્દેશ ભારતમાં કોઈ પણ સ્થાને મલ્ટિપલ ગિગાબાઇટ્સ પર સેકન્ડ ઓફ થ્રૂપૂટ પહોંચાડવાનો છે, એમ SESના ચીફ સ્ટ્રેટેજી ઓફિસર જ્હોન-પોલ હેમિંગ્વેએ જણાવ્યું હતું.