નવી દિલ્હીઃ કોરોના વાઇરસનું સંકટ ધીમે-ધીમે ખતમ થઈ રહ્યું છે. દેશના અર્થતંત્રમાં પાછલા કેટલાક મહિનાઓમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. ઔદ્યોગિક સંસ્થા એસોચેમે ગઈ કાલે કહ્યું હતું કે મેન્યુફેક્ચરિંગ PMIમાં સુધારો અને નિકાસમાં વૃદ્ધિના આંકડા અર્થતંત્ર રોગચાળાના પ્રભાવથી બહાર નીકળવાના સંકેત આપી રહ્યા છે. અર્થતંત્રની સ્થિતિ પર આકલન અહેવાલમાં આવનારા મહિનાઓમાં વધુ સુધારો થવાની વાત એસોચેમે કહી છે.
અહેવાલ મુજબ દેશના મેન્યુફેક્ચરિંગ PMI (પર્ચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ)ને અને સર્વિસ ક્ષેત્રનો PMIને ધ્યાનમાં લેવાય તો બંને જગ્યાએ ઝડપથી સુધારો જોવા મળે છે. મેન્યુફેક્ચરિંગ PMI સપ્ટેમ્બરમાં 56.8ના સ્તરે રહ્યો, જે જાન્યુઆરી, 2012 પછી સૌથી ઊંચા સ્તરે છે. બીજી બાજુ, સર્વિસ ક્ષેત્રનો PMI સપ્ટેમ્બરમાં 49.8 થઈ ગયો છે, જે ઓગસ્ટમાં 41.8ના સ્તરે હતો.
એક દેશ તરીકે આપણે કોવિડ-19 રોગચાળાને પડકાર આપ્યો છે. દેશના અર્થતંત્રને ફરી ખોલવાનું કામ લગભગ પૂરું થઈ ચૂક્યું છે. લોકો માસ્ક પહેરીને, સામાજિક અંતરના નિયમોનું પાલન કરતાં કામકાજ પર પરત ફરી રહ્યા છે. જોકે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લોકોની આદતોમાં સુધારો કરવા માટે સતત પ્રચાર ઝુંબેશ ચલાવવાની જરૂર રહેશે, એમ એસોચેમના જનરલ સેક્રેટરી દીપક સુદે કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે આરોગ્યની ઇમર્જન્સી સ્થિતિમાં નીડર થઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે શ્રમ કાયદાઓમાં સુધારો અને સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદન અને મેન્યુફેક્ચરિંગમાં સ્થાનિક મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાનુ કામ કર્યું છે, જે અર્થતંત્રને વેગ આપશે. જેમ-જેમ નવી સર્વિસિસમાં લોકડાઉન ખોલવામાં આવશે, તેમ-તેમ લોકોને રોગચાળા સામે લડવા અને એની સાથે આગળ વધવાની માહિતી પ્રાપ્ત થતી રહેશે. આવનારા મહિનાઓમાં GST વસૂલાતમાં પણ વધારો થવાની આશા છે, એમ તેમણે કહ્યું હતું.