ચોથી ઔદ્યોગિક ક્રાંતિના નેતૃત્વ માટે જિયોની રચના

નવી દિલ્હીઃ અબજોપતિ ભારતીય અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ ગુરુવારે કહ્યું હતું કે ત્રણેય ઔદ્યોગિક ક્રાંતિઓ ચૂકી જનારા ભારત પાસે એની IT ક્ષેત્રની ક્ષમતાઓ, અલ્ટ્રા-હાઇ-સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને પોસાય તેવા સ્માર્ટફોનના ઉત્પાદનનું યોગ્ય સંયોજન કરવામાં આવે તો ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરવાની ઊજળી તકો રહેલી છે.

દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું નેતૃત્વ કરતા સૌથી શ્રીમંત ભારતીય અંબાણીએ કહ્યું હતું કે ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરવા માટેનાં જરૂરી ચાવીરૂપ તત્ત્વો પૂરાં પાડી શકાય એ માટે તેમના ગ્રુપ દ્વારા ટેલિકોમ અને ડિજિટલ યુનિટ જિયોની રચના કરવામાં આવી હતી.

ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં પ્રવેશ

ટીએમ ફોરમ્સ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન વર્લ્ડ સિરિઝમાં બોલતાં અંબાણીએ કહ્યું હતું કે  આપણે જ્યારે ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે ભારત પાસે જેતે ક્ષેત્રના અગ્રણીઓ સાથે તાલ મિલાવવાની જ નહીં, પરંતુ વૈશ્વિક આગેવાન તરીકે ઊભરવાની તક રહેલી છે.

ચોથી ઔદ્યોગિક ક્રાંતિ ડિજિટલ અને ફિઝિકલ ટેક્નોલોજીના કન્વર્ઝન્સ દ્વારા સંચાલિત થઈ રહી છે, જેમાં ડિજિટલ કનેક્ટિવિટી,  ક્લાઉડ અને એજ્ડ કમ્પ્યુટિંગ,  IoT અને સ્માર્ટ ડિવાઇસિઝ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, બ્લોકચેઇન, AR/VR  (ઓગમેન્ટેડ રિયાલિટી/વર્ચ્યુઅલ રિયાલિટી) અને જિનોમિક્સનો સમાવેશ થાય છે. આ ક્રાંતિમાં સહભાગી થવા માટે અલ્ટ્રા-હાઇ-સ્પીડ કનેક્ટિવિટી, પોસાય તેવા સ્માર્ટ ડિવાઇસિસ અને ટ્રાન્સફોર્મેશનલ ડિજિટલ એપ એમ ત્રણ પાયાની જરૂરિયાતો રહેલી છે. જિયોની કલ્પના આ સફર ખેડવા માટે કરવામાં આવી છે.

જિયોએ 4G નેટવર્ક માત્ર ત્રણ વર્ષમાં જ તૈયાર કર્યું

જિયો આવી એ પહેલાં ભારત 2G ટેક્નોલોજીમાં અટવાયેલું હતું. જિયો ઇચ્છતી હતી કે ભારતની ડેટા સાથે જોડાયેલી પીડા સમાપ્ત થાય અને એક ડિજિટલ ક્રાંતિનો જન્મ થાય, અમે વર્લ્ડ-ક્લાસ, ઓલ-આઇપી, ફ્યુચર પ્રૂફ ડિજિટલ નેટવર્ક તૈયાર કર્યું છે, જે મહત્તમ સ્પીડ આપે અને ભારતમાં શ્રેષ્ઠ નેટવર્ક કવરેજ આપે.

જ્યાં ભારતીય ટેલિકોમ ઉદ્યોગને તેનું 2G નેટવર્ક તૈયાર કરતાં 25 વર્ષ લાગ્યા ત્યાં જિયોએ તેનું 4G નેટવર્ક માત્ર ત્રણ વર્ષમાં જ તૈયાર કર્યું હતું. મોટા પાયે ડેટાનો વપરાશ સ્વીકૃત થાય એ માટે અમે વિશ્વના સૌથી ન્યુનતમ ડેટા દરો લોન્ચ કર્યા તથા જિયોના ગ્રાહકો માટે વોઇસ સર્વિસ તદ્દન નિઃશુલ્ક કરી નાખી અને  જિયો ફોને સ્માર્ટફોન સસ્તા બનાવી દીધા છે.

600 ટકાનો તોતિંગ ગ્રોથ

આ પરિસ્થિતિએ એક વર્ષ કરતાં ઓછા સમયમાં 10 કરોડ ભારતીયો માટે અસીમિત સંભાવનાઓ ધરાવતા વિશ્વમાં ડોકિયું કરવાની બારી ખોલી આપી. જિયો આ સાથે સંખ્યાબંધ મોબાઇલ એપ્સ એકદમ સસ્તા દરે ઓફર કરે છે. તેના પરિણામે જિયો દર સેંકડે સાત ગ્રાહકો ઉમેરતું ગયું અને ભારતનો દર મહિને ડેટા વપરાશ જે 0.2 બિલિયન GB હતો, એ વધીને 1.2 બિલિયન GB થઈ ગયો, આમ 600 ટકાનો તોતિંગ ગ્રોથ થયો હતો.

“આજે ભારત છ એક્સાબાઇટ ડેટા દર મહિને ઉપયોગ કરે છે,  જિયો આવ્યું એ પહેલાંના સ્તર કરતાં 30 ગણો વધારે અને એ પણ માત્ર ચાર જ વર્ષમાં શક્ય બન્યું છે, આપણે માત્ર ચાર વર્ષમાં મોબાઇલ ડેટા કન્ઝમ્પ્શનમાં 155મા નંબરેથી સીધા વિશ્વમાં પહેલા નંબરે આવી ગયા છીએ.

5G સેવાઓ શરૂ કરવા માટે પણ જિયો તૈયારી

ભારત એડ્વાન્સ્ડ ટેક્નોલોજી અપનાવવા તૈયાર નથી એવી બહુ પ્રસિદ્ધ માન્યતાને જિયોએ ભૂંસી નાખી છે. ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં આપણો દેશ અગ્રણી ભૂમિકા અદા કરશે. કનેક્ટિવિટીમાં આપણી આગેવાનીનો વિસ્તાર કરતાં જિયો 50 મિલિયન ઘરો અને પ્રીમાઇસિસમાં હાઇ-સ્પીડ અને લો-લેટેન્સી ધરાવતું ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક નાખવા જઈ રહ્યું છે. એ સાથે સમગ્ર ભારતમાં 5G સેવાઓ શરૂ કરવા માટે પણ જિયો તૈયારી કરી રહ્યું છે.

ગ્રુપની ડિજિટલ સોલ્યુશન્સ પૂરા પાડતી પેટા કંપની જિયો પ્લેટફોર્મ્સ ક્લાઉડ કોમ્પ્યુટિંગ, બિગ ડેટા એનાલિટિક્સ, AI અને મશીન લર્નિંગ, બ્લોક ચેઇન, AR/ VR અને IoT જેવા ક્ષેત્રોમાં મહત્ત્વપૂર્ણ ક્ષમતાઓ હાંસલ કરી રહી છે. “આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને જિયો પ્લેટફોર્મ્સ વિવિધ ઉદ્યોગ સમૂહો માટે આકર્ષક ઉકેલોનું સર્જન કરી શકાય એવી પ્રક્રિયા હાથ ધરી રહ્યું છે, એ ઉપરાંત ટેલિકોમ, મિડિયા અને એન્ટરટેઇનમેન્ટ, ન્યુ કોમર્સ, ફાઇનાન્સિયલ સર્વિસીઝ,  એજ્યુકેશન, હેલ્થકેર અને એગ્રીકલ્ચર વગેરે ક્ષેત્રો માટે અનોખી ઇકોસિસ્ટમ તૈયાર કરી રહ્યું છે એમ તેમણે કહ્યું હતું.

ચોથી ઔદ્યોગિક ક્રાંતિ અભૂતપૂર્વ મૂલ્ય અને સમૃદ્ધિનું સર્જન કરવાની અનોખી તક પૂરી પાડી રહી છે અને આપણે આવનારી પેઢીને જરૂરી ટેક્નોલોજી અસ્ક્યામતો તૈયાર કરવી જ જોઈએ. ડિજિટલ ઇકોસિસ્ટમમાં જે બિનકાર્યક્ષમતાઓ છે તેને ઉખાડી ફેંકી દેવી જોઈએ. રૂઢિગત પ્રણાલિઓને તોડી અને જીતી શકાય તેવી સહભાગિતા રચવી જોઈએ. તો જ આપણે સાચા અર્થમાં ડિજિટલ સોસાયટી બનાવી શકીશું અને તેને જાળવી શકીશું,  એમ તેમણે ઉમેર્યું હતું.