નવી દિલ્હીઃ દેશની નિકાસ ફેબ્રુઆરીમાં 11.9 ટકા વધીને 41.4 અબજ ડોલર થઈ હતી. ચાલુ નાણાકીય વર્ષમાં તે સૌથી વધુ છે. વેપાર મંત્રાલયે જારી કરેલા ડેટા મુજબ ફેબ્રુઆરીમાં એન્જિનિયરિંગ સામાન ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ અને દવા ઉત્પાદનોની વિદેશમાં નોંધપાત્ર માગ રહી હતી.
ફેબ્રુઆરીમાં આયાત 12.16 ટકા વધીને 60.11 અબજ ડોલર થઈ હતી, જે ગયા વર્ષે આ ગાળામાં 53.58 અબજ ડોલર હતી. આ સાથે વેપાર ખાધ વધીને 18.7 અબજ ડોલર થઈ છે, જે ગયા વર્ષે આ ગાળામાં 16.57 અબજ ડોલર હતી.
સોનાની આયાત ફેબ્રુઆરીમાં 134 ટકા ઊછળીને 6.15 અબજ ડોલર થઈ હતી, જે ગયા વર્ષે આ ગાળામાં 2.63 અબજ ડોલર હતી. ચાલુ વર્ષે એપ્રિલથી ફેબ્રુઆરીમાં ગોલ્ડની આયાત 38.76 ટકા વધીને 44 અબજ ડોલર થઈ છે.
એન્જિનિયરિંગ ગુડ્ઝની નિકાસ 15.9 ટકા વધીને 9.94 અબજ ડોલર થઈ હતી. ઈલેક્ટ્રોનિક્સ ગુડ્ઝની નિકાસ 54.81 ટકા ઊછળીને ત્રણ અબજ ડોલર થઈ હતી. ઓર્ગેનિક અને ઈનઓર્ગેનિક કેમિકલ્સની નિકાસ 33.04 ટકા વધીને 2.95 અબજ ડોલર થઈ હતી. દવાઓ અને ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સની નિકાસ 22.24 ટકા વધી હતી, જ્યારે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની નિકાસ 5.08 ટકા વધીને 8.24 અબજ ડોલર થઈ હતી.
દેશની વસ્તુઓ અને સર્વિસીઝની સંયુક્ત નિકાસ એપ્રિલથી ફેબ્રુઆરીમાં 709.81 અબજ ડોલર થઈ હોવાનો અંદાજ છે, જે 0.83 ટકા વૃદ્ધિ દર્શાવે છે. આ ગાળામાં આયાત 782.05 અબજ ડોલર થઈ હોવાનો અંદાજ છે, જે 4.64 ટકા ઘટાડો દર્શાવે છે. વેપાર ખાધ 37.8 ટકા ઘટીને 72.24 અબજ ડોલર થઈ છે, જે ગયા વર્ષે 116.13 અબજ ડોલર હતી.
ફેબ્રુઆરીમાં વસ્તુઓ અને સર્વિસીઝ બન્ને મળીને કુલ નિકાસ 14.2 ટકા વધીને 73.55 અબજ ડોલર થઈ હોવાનો અંદાજ છે. એ જ રીતે કુલ આયાત 10.13 ટકા વધીને 75.50 અબજ ડોલર થઈ છે.