નવી દિલ્હીઃ અમેરિકાની ટેસ્લા પાવર કંપની તેની ફ્રેન્ચાઈઝ-માલિકીની ટેસ્લા પાવર શોપ્સ મારફત ભારતભરમાં દ્વી-ચક્રી ઈલેક્ટ્રિક વાહનો માટે 5,000 ઈલેક્ટ્રિક વેહિકલ ચાર્જિંગ પોઈન્ટ્સ મૂકાવશે.
આ જાહેરાત ટેસ્લા પાવર યૂએસએ દ્વારા નવી દિલ્હીમાં આયોજિત ‘ભારત વ્યાપાર સંમેલન’માં કરવામાં આવી હતી. તે કાર્યક્રમમાં ટેસ્લા પાવરના મેનેજિંગ ડાયરેક્ટર અને ગ્લોબલ સીઈઓ જોન વેટ્સિનાઝ તથા મેનેજિંગ ડાયરેક્ટર (ભારત) કવિન્દર ખુરાના અને બિઝનેસ વડા (ભારત) સંદીપ અવસ્થીએ હાજરી આપી હતી. ખુરાનાએ કહ્યું કે અમે નજીકના ભવિષ્યમાં અમારી ફ્રેન્ચાઈઝની માલિકીની ટેસ્લા પાવર શોપ્સ મારફત ભારતભરમાં 5,000 ટુ-વ્હીલર EV ચાર્જિંગ પોઈન્ટ્સ મૂકવાના છીએ. વેટ્સિનાઝે કહ્યું કે ઈલેક્ટ્રિક વાહનોની વૃદ્ધિ માટેની નવી ટેક્નોલોજીઓ તથા પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં ભારત દુનિયાની દોરવણી કરી રહ્યો છે.