ટેક્નોલોજીઃ ડ્રોનથી ડિલિવરી સરળ, ખર્ચ, સમયની બચત

નવી દિલ્હીઃ રેડક્લિફ લેબલ 10 જૂનથી ઉત્તર-કાશીના અંતરિયાળ પોતાનાં કલેક્શન કેન્દ્રોથી દિવસમાં બે વાર મેડિકલ ટેસ્ટના સેમ્પલ ડ્રોન દ્વારા દહેરાદૂનની લેબોરટરીમાં લાવવાનું શરૂ કરશે. કંપનીએ જણાવ્યું હતું કે જુલાઈના અંત સુધીમાં કંપની એક દિવસમાં ત્રણ વાર ડ્રોનના ઉડાનની કામગીરીનું સંચાલન કરશે.

સરકારે ગયા વર્ષે ડ્રોનના સંચાલનના નિયમોમાં ઢીલ મૂક્યા પછી હેલ્થકેર ઉદ્યોગ વેપારી ધોરણે ડ્રોનની ડિલિવરીનો ઉપયોગમાં લેશે. કંપનીના જણાવ્યાનુસાર આ પ્રકારની કામગીરીથી કંપનીને ટેસ્ટ સેમ્પલ્સની હેરફેરમાં છથી આઠ કલાકને બદલે માત્ર 88 મિનિટ કરવામાં મદદ મળશે. વળી, કંપની આ સેવાનું વિસ્તરણ હિમાચલ પ્રદેશ, પૂર્વોત્તર અને લદ્દાખના પહાડી વિસ્તારોમાં કરવામાં માગે છે અને કંપની માટે સિમલામાં લેબની સુવિધા સ્થાપિત કરી રહી છે.

કંપનીને આ ડ્રોનનો સપ્લાય સ્કાય એર મોબિલિટી કરી રહી છે. ડ્રોન ડિલિવરી સ્ટાર્ટઅપે SRL ડાયગ્નોસ્ટિક અને રેડક્લિફ સહિત 85 ટકા ડાયગ્નોસ્ટિક સેન્ટર્સ સાથે ભાગીદારી કરી છે, જેથી ડ્રોનના ઉપયોગ દ્વારા ટેસ્ટ સેમ્પલ અને દવાઓ જેતે સ્થળે પહોંચાડી શકાય. આ સિવાય સ્કાય એરઈ-કોમર્સ અને ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ પણ અનેક કંપનીઓ સાથે કામગીરી કરી રહી છે.

આ ઉપરાંત અમે શહેરોમાં સ્વિગી અને ડુંઝોની જેમ વેપારી ધોરણે ગ્રોસરી અને અન્ય ચીજવસ્તુઓની હેરફેર કરવા માટેના પ્રયાસ કરી રહ્યા છીએ, એમ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ અંકિત કુમારે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે ડ્રોનના વપરાશ 30 ટકા સસ્તો પડશે અને એનાથી સમયમાં 80 ટકા સુધીની બચત થશે. ખાસ કરીને જ્યાં પહાડી વિસ્તારોમાં રોડ દ્વારા ડિલિવરી કરવામાં આઠથી 10 કલાકનો સમય લાગે છે અને ઉપરાંત ત્યાં ડ્રાઇવરને આ સર્વિસ આપવા માટે નાણાં ચૂકવવા પડે છે, પણ ડ્રોનથી ડિલિવરી કરવામાં સમય, ખર્ચમાં બચત થાય છે અને સરળતાથી પહોંચે છે, એમ તેમણે કહ્યું હતું.