અમદાવાદઃ વૈશ્વિક માર્કેટમાં મજબૂત સેન્ટિમેન્ટ અને TCSનાં પ્રોત્સાહક પરિણામોને પગલે ભારતીય શેરબજારોમાં આગઝરતી તેજી જોવા મળી હતી. જેથી BSE સેન્સેક્સ 847 પોઇન્ટ અને નિફ્ટીએ 242 પોઈન્ટ તેજી થઈ હતી. મોટા ભાગનાં સેક્ટોરલ ઇન્ડાઇન્સિસ- IT, પાવર ઓટો, કેપિટલ ગુડ્સ, ઓઇલ એન્ડ ગેસ, મેટલ અને PSU બેન્ક શેરોમાં તેજી થઈ હતી. મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ભારે તેજી થઈ હતી.
દેશની IT સેક્ટરની સૌથી મોટી કંપની TCS કંપનીનો ત્રીજા ત્રિમાસિક ગાળામાં 11 ટકા વધીને રૂ. 10,846 કરોડનો નફ નોંધાવ્યો હતો. TCSનાં પ્રોત્સાહક પરિણામોએ સેન્ટિમેન્ટ તેજીમય થયું હતું. જેથી શેરોની જાતેજાતમાં લાવ-લાવ રહ્યું હતું. US જોબ ડેટા રિલીઝ થયા પછી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં નરમાઈનું વલણ અપનાવવાની અપેક્ષે વોલ સ્ટ્રીટમાં તેજી જોવા મળી હતી. વળી, IT શેરોમાં TCSને પગલે પ્રોત્સાહક પરિણામો આવવાની આશા છે. વળી, હવે કંપનોનાં ત્રીજા ત્રિમાસિક પરિણામો પણ આવશે, જેથી શેરોમાં તેજી જળવાઈ રહેવાની ધારણા છે.
રોકાણકારોએ રૂ. ત્રણ લાખ કરોડની કમાણી કરી
BSEમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 282.79 લાખ કરોડએ પહોંચી ગયું છે, જે ગયા શુક્રવારે રૂ. 279.75 લાખ કરોડ હતું. આમ લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. 3.12 લાખ કરોડ વધ્યું હતું.
ફોરેક્સ માર્કેટમાં પણ અમેરિકી ડોલર સામે રૂપિયો 36 પૈસા વધીને રૂ. 82.36ના સ્તરે બંધ થયો હતો. આ પહેલાં છેલ્લા સેશનમાં એ રૂ. 82.72ના સ્તરે બંધ હતો. BSE સેન્સેક્સ 846.94 પોઇન્ટ ઊછળીને 60,747.31ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 241.75 ઊછળીને 18,100ની સપાટી વટાવીને 18,101.20ના મથાળે બંધ રહ્યો હતો.